IPL બાદ હવે દુલિપ ટ્રોફીમાં રજત પાટીદારનો દબદબો, સેન્ટ્રલ ઝોને 11 વર્ષ બાદ જીતી ટુર્નામેન્ટ
Duleep Trophy Final: સોમવારે બેંગ્લોરમાં સેન્ટ્રલ ઝોને સાઉથ ઝોનને 6 વિકેટથી હરાવ્યું અને 11 વર્ષ પછી દુલીપ ટ્રોફી પર કબજો જમાવ્યો. એકંદરે આ વર્ષ રજત પાટીદાર માટે યાદગાર રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ પાટીદારે RCBને IPL ટ્રોફી અપાવી હતી અને હવે તેણે દુલીપ ટ્રોફીમાં પણ પોતાની કેપ્ટનશીપનો દબદબો દેખાડ્યો છે.
સેન્ટ્રલ ઝોને 11 વર્ષ બાદ જીતી ટુર્નામેન્ટ
સેન્ટ્રલ ઝોને 11 વર્ષ પછી દુલીપ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ટીમે ફાઈનલમાં સાઉથ ઝોનને 6 વિકેટે હરાવ્યું હતું. સેન્ટ્રલ ઝોન સાતમી વખત દુલીપ ટ્રોફી ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2014માં સેન્ટ્રલ ઝોને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. સેન્ટ્રલ ઝોન પાસે જીતવા માટે માત્ર 65 રનનો ટાર્ગેટ હતો. ટીમે સોમવારે મેચના પાંચમા અને છેલ્લા દિવસે 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો. અગાઉ ચોથા દિવસે સાઉથ ઝોન તેની બીજી ઈનિંગમાં 426 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. સેન્ટ્રલ ઝોનને માત્ર 65 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
આ પણ વાંચો: બોલિવૂડના ટોપ-10 સ્ટાર્સની યાદીમાં સલમાન ખાને બાજી મારી, શાહરુખ-હ્રતિકની હાલત ખરાબ!
સેન્ટ્રલ ઝોને બીજી ઈનિંગમાં 65 રન બનાવતા 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ટીમે 6 વિકેટથી મેચ જીતી લીધી હતી. ટીમ માટે બીજી ઈનિંગમાં અક્ષય વાડકર 19 અને યશ રાઠોડ 13 રન બનાવીને અણનમ રહ્યા હતા. કેપ્ટન રજત પાટીદારે 13, શુભમ શર્માએ 8, દાનિશ માલેવરે 5 અને સારાંશ જૈને 4 રન બનાવ્યા હતા. સાઉથ ઝોન માટે ગુર્જનપ્રીત સિંહ અને અંકિત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.
આ વર્ષે પાટીદારનું આ બીજું ટાઈટલ
આ વર્ષે પાટીદારનું આ બીજું ટાઈટલ હતું કારણ કે તેણે આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ને IPL ટ્રોફી અપાવી હતી. સ્વાભાવિક રીતે તે ખૂબ જ ખુશ હતો.
પાટીદારે પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, 'દરેક કેપ્ટનને ટ્રોફી જીતવી ગમે છે. પરંતુ અમારા ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સારો જુસ્સો દેખાડ્યો અને હું તેનાથી ખૂબ ખુશ છું. હું દાનિશ અને યશ માટે ખુશ છું તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ કરી.'