રિષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCIની અપડેટ
IND Vs ENG Test Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈના રોજ લંડનના ઓવલ મેદાનમાં રમાશે.
ઓવલ ટેસ્ટ પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો વાગ્યો છે. વિકેટકીપર-બેટર ઋષભ પંત ટૂર્નામેન્ટની અંતિમ મેચ રમી શકશે નહીં. જેની ખાતરી બીસીસીઆઈએ કરી છે. ઋષભ પંતના સ્થાને તમિલનાડુના વિકેટકીપર-બેટર નારાયણ જગદીશનની પસંદગી કરવામાં આવી છે.
ઋષભ ઈજાગ્રસ્ત થતાં લેવાયો નિર્ણય
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ઋષભ પંતને માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થયુ હતું. જેના કારણે તે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સારવાર પર નજર રાખી રહી છે, ટીમ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહી છે. મેન્સ સિલેક્શન પેનલે ઋષભ પંતના સ્થાને નારાયણ જગદીશનને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ શુભમન, જાડેજા કે સુંદર નહીં પણ ચોથી ટેસ્ટમાં આ ખેલાડી બન્યો મેન ઓફ ધ મેચ, જાણો કેમ?
ઋષભ પંત ક્યારે ઈજાગ્રસ્ત થયો?
ઋષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. તે સમયે પંત ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેમાં તે ચૂકી જતાં બોલ તેના જમણા પગમાં વાગ્યો હતો. આ કારણે પંતને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. જોકે, પંત બીજા દિવસે બેટિંગ કરવા આવ્યો હતો અને 54 રન બનાવવામાં સફળ રહ્યો હતો.
પહેલીવાર જગદીશન ટેસ્ટ ટીમમાં સામેલ
એન. જગદીશનને ઘરેલુ ક્રિકેટમાં સતત શ્રેષ્ઠ પર્ફોર્મન્સના કારણે પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જગદીશનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ઘણો અનુભવ છે. તેના સમાવેશ સાથે, ભારતને બીજો કુશળ વિકેટકીપર મળ્યો છે. ધ્રુવ જુરેલ પહેલાથી જ ટીમમાં છે. કેએલ રાહુલ પણ એક વિકલ્પ છે, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતો નથી.
પાંચમી ટેસ્ટ માટે ભારતની અપડેટ કરાયેલી ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, કુલદીપ યાદવ, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ, એન. જગદીશન (વિકેટકીપર).