શુભમન, જાડેજા કે સુંદર નહીં પણ ચોથી ટેસ્ટમાં આ ખેલાડી બન્યો મેન ઓફ ધ મેચ, જાણો કેમ?
IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટર ટેસ્ટમાં એક સમયે ભારત પર હારની તલવાર લટકી રહી હતી. 5 સેશની રમત બાકી હતી અને ભારતે બીજી ઈનિંગમાં ખાતું પણ નહોતું ખોલ્યું અને યશસ્વી જયસ્વાલ તથા સાઈ સુદર્શનના રૂપમાં બે મોટા ઝટકા લાગી ચૂક્યા હતા. રિષભ પંત બેટિંગ કરશે કે નહીં તે અંગે કંઈ સ્પષ્ટ ન હતું. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું. જો કે આ બધાથી વિપરીત જઈને ભારતીય બેટ્સમેનોએ 5 સેશન બેટિંગ કરી અને મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યા. કેપ્ટન શુભમન ગિલ ઉપરાંત રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ચોથી ઈનિંગમાં સદી ફટકારી. જોકે તેમ છતાં 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આ ત્રણેય ખેલાડીઓમાંથી કોઈને ન મળ્યો.
માનચેસ્ટર ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ યજમાન ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને આપવામાં આવ્યો. બેન સ્ટોક્સ પાંચ વિકેટ હોલ લેવાની સાથે-સાથે ભારત સામે આ મેચમાં 141 રનોની શાનદાર ઈનિંગ પણ રમ્યો હતો.
બેન સ્ટોકસના ટેસ્ટ કરિયરનો આ 12મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. તે ઇંગ્લેન્ડ માટે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ POTM એવોર્ડ જીતનારા ખેલાડીઓની લિસ્ટમાં સંયુક્ત રૂપે બીજા નંબર પર પહોંચી ગયો છે. આ ઉપરાંત ઈયાન બૉથોને પણ પોતાના કરિયરમાં આટલા જ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે. બીજી તરફ આ લિસ્ટમાં સ્ટાર બેટ્સમેન જો રૂટ 13 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ્સની સાથે પ્રથમ નંબર પર છે.
ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ
13- જો રુટ
12- ઈયાન બૉથોન
12- બેન સ્ટોક્સ
10- કેવિન પીટરસન
10- સ્ટુઅર્ટ બ્રૉડ
બેન સ્ટોક્સ માટે સીરિઝ શાનદાર રહી
બેન સ્ટોક્સ માટે બોલ અને બેટ બંનેથી જ આ સીરિઝ શાનદાર રહી. તે ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો પહેલો એવો કેપ્ટન બન્યો છે જેણે એક સીરિઝમાં 300થી વધુ રન બનાવવાની સાથે-સાથે 15થી વધુ વિકેટ પણ ખેરવી છે. તેનું નામ ઇતિહાસના પાનામાં સુવર્ણ શબ્દોમાં લખાશે.