જ્યારે તૂટેલાં જડબાં સાથે મેદાનમાં ઉતર્યો હતો અનિલ કુંબલે, હવે પંતે પગના અંગૂઠામાં ફ્રેક્ચર સાથે રમી સાહસ બતાવ્યું
Injured Rishabh Pant reminds Anil Kumble: દેશ માટે રમવું એ દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે, પરંતુ ફક્ત થોડા જ ખેલાડીઓ આ સ્વપ્ન અને લક્ષ્યને પૂર્ણ કરી શકે છે અને આ સ્વપ્ન દરમિયાન, ઘણા ખેલાડીઓ એવા છે જેમણે ગંભીર ઇજાઓ છતાં દેશ માટે રમ્યા છે. બુધવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન રિષભ પંત ચર્ચામાં રહ્યો હતો. ક્રિસ વોક્સના યોર્કર બોલ પર રિવર્સ સ્વીપ રમતી વખતે પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું અને મેદાન છોડવાની ફરજ પડી હતી.
ઈજાગ્રસ્ત હોવા છતાં મેદાનમાં ઉતાર્યો હતો પંત
BCCIએ કહ્યું કે પંત છ અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. જોકે, મેચના બીજા દિવસે, પંત લંગડાતા મેદાનમાં ઉતર્યો અને બેટિંગ કરતો જોવા મળ્યો હતો. રિષભનો જુસ્સો જોઈને સ્ટેડિયમમાં હાજર ચાહકો ભાવુક થઈ ગયા. પંતે 48 બોલમાં 37 રન બનાવ્યા. પંતનો આ જુસ્સો આપણને અનિલ કુંબલે, સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા ક્રિકેટરોની યાદ અપાવે છે, જેઓ પણ ઈજાગ્રસ્ત હોવા છતાં મેદાનમાં આવ્યા હતા.
અનિલ કુંબલે: તૂટેલું જડબું, અતૂટ હિંમત
વર્ષ 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામે સેન્ટ જોન્સ ટેસ્ટમાં, અનિલ કુંબલેએ સ્પોર્ટ્સમેનશિપનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું. બોલિંગ કરતી વખતે, બોલ તેની દાઢી પર વાગ્યો, જેનાથી તેનું જડબું તૂટી ગયું. ડૉકટર્સે તેને આરામ કરવાની સલાહ આપી, પરંતુ કુંબલેએ હાર ન માની. ચહેરા પર પાટો બાંધીને, પીડા સામે લડતા, તેણે 14 ઓવર બોલિંગ કરી અને બ્રાયન લારા જેવા દિગ્ગજ ખેલાડીની વિકેટ લીધી. આ ક્ષણ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે. કુંબલેનું આ બલિદાન અને જુસ્સો યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બન્યું.
આ પણ વાંચો: હમ્પી vs દિવ્યા : મહિલા ચેસ વર્લ્ડ કપના ઈતિહાસ પહેલીવાર ઓલ ઈન્ડિયા ફાઈનલ
સચિન તેંડુલકર: પીઠ પીડા હોવા છતાં ઉતાર્યો મેદાનમાં
વર્ષ 1999માં ચેન્નાઈ ટેસ્ટમાં, સચિન તેંડુલકરે પીઠના દુખાવા સાથે પાકિસ્તાન સામે 136 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેની પીઠમાં અસહ્ય દુખાવો હતો. છતાં, તે મેદાન પર અડગ રહ્યો હતો. ભલે ત્યારે ભારત 12 રનથી હારી ગયું હતું. પણ સચિનના આ પ્રયાસે બતાવ્યું કે તે માત્ર એક બેટ્સમેન જ નહીં, પણ એક યોદ્ધા પણ છે. આ ઇનિંગ આજે પણ ક્રિકેટ પ્રેમીઓ માટે પ્રેરણાનું પ્રતીક છે.
યુવરાજ સિંહ: કેન્સર સામેની લડાઈ અને વર્લ્ડ કપ જીત
યુવરાજ સિંહે 2011ના વર્લ્ડ કપમાં કેન્સર જેવા ગંભીર રોગ સામે લડતો હોવા છતાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલમાં, તેણે 57 રન બનાવીને અને 2 વિકેટ લઈને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્સરના શરૂઆતના લક્ષણો હોવા છતાં, યુવરાજે દરેક મેચમાં જુસ્સો દર્શાવ્યો અને ભારતને વર્લ્ડ કપ જીતવામાં ફાળો આપ્યો. તેની લડાઈ આપણને ફક્ત ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ જીવનના પડકારો સામે પણ લડવાની પ્રેરણા આપે છે.