હમ્પી vs દિવ્યા : મહિલા ચેસ વર્લ્ડ કપના ઈતિહાસ પહેલીવાર ઓલ ઈન્ડિયા ફાઈનલ
Chess and Sports News : ભારતની ચોથો ક્રમ ધરાવતી ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પીએ આઠ મેચની મેરેથોન સેમિ ફાઈનલમાં ટોપ સીડ ધરાવતી ચીનની ટોપ સીડ ધરાવતી લેઈ ટિન્ગજીને હરાવીને ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ઓલ ઈન્ડિયા ફાઈનલમાં 38 વર્ષની હમ્પીનો મુકાબલો ભારતની જ 19 વર્ષની દિવ્યા દેશમુખ સામે થશે. જેણે અગાઉ રમાયેલી સેમિ ફાઈનલમાં ચીનની ત્રીજો સીડ ધરાવતી ટાન ઝ્હોન્ગયીને 1.5-0.5 થી પરાસ્ત કરી હતી.
નોંધપાત્ર છે કે, આ અગાઉ મહિલા ચેસ વર્લ્ડ કપમાં ક્યારેય ભારતની કોઈ ખેલાડી સેમિ ફાઈનલમાં પ્રવેશી શકી નહતી. જોકે આ વખતે દિવ્યા અને હમ્પીએ ઈતિહાસ રચતાં ફાઈનલમાં પ્રવેશ મેળવીને ગોલ્ડ અને સિલ્વર ભારતને જ મળશે તે નિશ્ચિત કરી લીધું છે.
વિશ્વચેસમાં ભારતે આ સાથે આગવો દબદબો જાળવી રાખ્યો છે. અગાઉ ભારતે ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ગત વર્ષે ભારતના ડી. ગુકેશે 18 વર્ષની ઉંમરે ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવાની સાથે ઈતિહાસના સૌથી યુવા વયના વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. યોગાનુંયોગ ગુકેશે ફાઈનલમાં ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિરેનને હરાવ્યો હતો.
જ્યોર્જીયાના બટુમીમાં વિશ્વની 107 દેશોની ખેલાડીઓ વચ્ચે ખેલાયેલા મહિલા ચેસ વર્લ્ડ કપમાં હવે ફાઈનલમાં હવે ચોથો સીડ ધરાવતી હમ્પી 15મો સીડ ધરાવતી દિવ્યા દેશમુખ સામે ટકરાશે. બીજી સેમિ ફાઈનલમાં હમ્પી અને ટોપ સીડ લેઈ શરૂઆતની બે ગેમ બાદ ૧-૧થી બરોબરી પર રહ્યા હતા. આ પછી બંને વચ્ચે ટાઈબ્રેકરમાં ખેલાયેલી ચાર રેપિડ ગેમમાં ત્રણ ગેમ બાદ ભારતની હમ્પી 2-3થી પાછળ પડી ગઈ હતી. જોકે હમ્પીએ આખરી અને નિર્ણાયક રેપિડ ગેમ જીતીને ૩-૩ થી બરોબરી મેળવી હતી. આ પછી હમ્પીએ બાકીની બંને બ્લીટ્ઝ ગેમ જીતી લઈને સેમિ ફાઈનલમાં 5-3થી રોમાંચક વિજય મેળવ્યો હતો.