વિકેટકીપિંગમાં કોઈ કમી નથી પણ બેટિંગમાં...: ધોનીની નિવૃત્તિ પર રિકી પોન્ટિંગનું મોટું નિવેદન
Ricky Ponting On MS Dhoni Retirement: ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)નો દિગ્ગજ ખેલાડી એમએસ ધોની IPL 2025માં પોતાની ખરાબ બેટિંગ, બેટિંગ ઓર્ડર અને મેચ ફિનિશ ન કરી શકવાના કારણે ટીકાઓથી ઘેરાયેલો છે. થોડી ઓવરો કે થોડા બોલ પહેલા મેદાન પર આવીને છગ્ગો ફટકારવાની તેની ફોર્મ્યુલા આ સિઝનમાં ટીમ માટે મદદરૂપ સાબિત નથી થઈ રહી. ટીકાઓ વચ્ચે પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પોન્ટિંગે 43 વર્ષીય ધોનીની IPL નિવૃત્તિ પર એક મોટું નિવેદન આપ્યું છે. ધોનીની નિવૃત્તિ પર પૂર્વ ઓસ્ટ્રેલિયન કૅપ્ટને કહ્યું કે, 'આ સિઝન કેવી જશે તેના પર આ બાબત આધાર રાખે છે. જો તે બેટથી સારું પ્રદર્શન કરી શકે છે તો મને લાગે છે કે તે રમવાનું ચાલુ રાખશે. જો તેની બેટિંગમાં ઘટાડો થાય તો તે તેના વિશે વિચારવાનું શરુ કરી શકે છે. તે લાંબા સમયથી એક શાનદાર ખેલાડી રહ્યો છે.'
વિકેટકીપિંગમાં કોઈ કમી નથી
પોન્ટિંગે ધોનીની વિકેટકીપિંગની પ્રશંસા કરી. તેણે લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવાના CSKના નિર્ણયનો બચાવ કર્યો અને તેની પાછળ ઇમ્પેક્ટ પ્લેયર નિયમનો હવાલો આપ્યો. તેણે કહ્યું કે, 'ધોનીની વિકેટકીપિંગમાં કોઈ કમી નથી. આ એક વાત છે જે હું જાણું છું. તે સ્પિનરો સામે સ્ટમ્પ પર ઊભા રહીને કોઈ તક ગુમાવતો નથી અને તે પહેલાં જેટલો જ સારો છે.' પોન્ટિંગે આગળ કહ્યું કે, "તમે CSKની કોઈપણ વાત પર ચર્ચા નહીં કરશો. તે IPLના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક છે. તેની પાસે લાંબા સમયથી એક જ કોચિંગ છે અને તે સામાન્ય રીતે યોગ્ય નિર્ણયો લે છે. હવે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ સાથે ધોની બીજાઓ પછી બેટિંગ કરે છે. મને લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ભૂમિકા થોડી ઓછી થઈ ગઈ છે. તે માત્ર છેલ્લા 10-12 બોલ રમવા માટે આવે છે અને મોટો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે. ધોની હજુ પણ IPLમાં ખતરનાક છે.'
આ પણ વાંચો: IPL વચ્ચે યુઝવેન્દ્ર ચહલ સાથે ફરી દેખાઈ RJ મહવશ? ચહેરો છુપાવતો વીડિયો વાઈરલ
અત્યાર સુધીમાં ચાર ઇનિંગ્સમાં 76 રન બનાવ્યા
ધોનીએ IPL 2025માં અત્યાર સુધીમાં ચાર ઇનિંગ્સમાં 76 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામેની મેચમાં 9મા નંબરે બેટિંગ કરવા બદલ તેની ટીકા થઈ હતી.