RCB Cricketer Yash Dayal News : IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ના ઝડપી બોલર યશ દયાલની સગીરા સાથે દુષ્કર્મ મામલે જયપુર પોક્સો કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. જયપુર મહાનગર પ્રથમની પોક્સ કોર્ટ-3 એ યશની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. હવે ગમે ત્યારે યશ દયાલની ધરપકડ થવાની શક્યતાઓ વધી ગઈ છે.
શું કહ્યું જજે?
જજ અલકા બંસલે તેમના આદેશમાં કહ્યું કે પ્રથમ નજરે એવું નથી લાગતું કે આરોપીને જુઠ્ઠા આરોપોમાં ફસાવાયો છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીનું ગુનામાં સંડોવણી દેખાઈ રહી છે. આરોપીની પૂછપરછ હજુ બાકી છે. એવામાં આ મામલે આરોપીને આગોતરા જામીનનો ગેરફાયદો મળી શકે છે.
શું હતો મામલો?
ઉલ્લેખનીય છે કે 23 જુલાઇ 2025ના રોજ જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં યશ વિરુદ્ધ ક્રિકેટમાં કરિયર બનાવવાનો ઝાંસો આપી અને ઈમોશનલ બ્લેકમેલ કરીને સગીરા સાથે અઢી વર્ષ સુધી દુષ્કર્મ કરવાનો કેસ નોંધાયો હતો.
પીડિતાના મોબાઈલમાં ચેટ, ફોટો અને વીડિયો મળ્યાં
પીડિતાના વકીલ દિવેશ શર્માએ જણાવ્યું હતું કે, 'કેસ નોંધાયા પછી, પોલીસે પીડિતા અને આરોપીના મોબાઇલ ફોનના સીડીઆર મેળવ્યા છે. આ બંને વચ્ચેની વાતચીતની પુષ્ટિ કરે છે. તેમાં પીડિતા દ્વારા ઉલ્લેખીત હોટલમાં તેમના રોકાણના રેકોર્ડ પણ છે." પીડિતાના મોબાઇલ ફોનમાંથી મળેલી ચેટ, ફોટા અને વીડિયોનું વિશ્લેષણ આરોપીઓ સામે POCSO હેઠળ કેસ સ્થાપિત કરે છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે 3-4 મે, 2023 ના રોજ, જયપુરમાં IPL મેચ દરમિયાન, આરોપીએ પીડિતાને રેલ્વે સ્ટેશન નજીકની એક હોટલમાં મળવા આમંત્રણ આપ્યું હતું અને સેક્સ માટે કહ્યું હતું.


