કોહલીની ટીમ માટે ખરાબ સમાચાર, જિતેશ શર્માને કારણે પાટીદારને મળી મોટી સજા
IPL 2025: આઈપીએલ 2025ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં RCBના નિયમિત રજત પાટીદારની જગ્યાએ જીતેશ શર્મા ટીમની કમાન સંભાળતા જોવા મળ્યા હતા. પાટીદાર સંપૂર્ણ રીતે ફિટ ન હતો, તેથી તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા ઉતર્યો હતો. જેથી જીતેશ શર્માએ SRH સામે RCB ની કેપ્ટનશીપ સંભાળી. જોકે, જીતેશ બેટિંગ અને કેપ્ટનશીપ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 24 રન કરી શક્યો અને તેની ટીમ 42 રનથી મેચ હારી ગઈ. આ હારથી ટીમને બીજો મોટો ફટકો પડ્યો છે.
રજત પાટીદાર પર 24 લાખનો દંડ
હકીકતમાં, જીતેશ શર્માની ભૂલનું પરિણામ રજત પાટીદારને ભોગવવું પડ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સ્લો ઓવર રેટ માટે આ દંડ ફટકારવામાં આવ્યો છે. IPLની કોડ ઓફ કંડક્ટ હેઠળ લઘુત્તમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત સિઝનમાં પાટીદારનો આ બીજો ગુનો હોવાથી પાટીદાર પર 24 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઇમ્પેક્ટ ખેલાડી સહિત બાકીના પ્લેઇંગ ઇલેવનને વ્યક્તિગત રીતે 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
પેટ કમિન્સ પર પણ ફટકારવામાં આવ્યો દંડ
આ ઉપરાંત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જ નહીં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સને પણ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. IPL કોડ ઓફ કંડક્ટની કલમ 2.22 હેઠળ વર્તમાન સિઝનમાં આ તેની ટીમનો પહેલો ગુનો હતો, જે ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, તેથી કમિન્સને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.