ટીમ ઈન્ડિયાની વિરુદ્ધમાં આયરલેન્ડ તરફથી ડેબ્યૂ કરશે રાજસ્થાની બોલર, વૈભવ પણ તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India VS Ireland T20 Series 2026 : ભારત અને આયરલેન્ડ વચ્ચે આજથી ટી20 સિરિઝની શરૂઆત થવાની છે. બંને દેશો વચ્ચે કુલ બે ટી20 મેચ રમાવાની છે, ત્યારે સૌથી રસપ્રદ વાત એ છે કે, આ સિરિઝમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટ બેટર વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરીને મોટો ઈતિહાસ રચી શકે છે. આ ઉપરાંત આયરલેન્ડ તરફથી રાજસ્થાનના ઝડપી બોલર જય મૂંદડા પણ આજની મેચથી ડેબ્યૂ કરી શકે છે.
ટીમમાં ભાઈની પસંદગીથી પરિવાર ખુશ
જય મૂંદડાની આયરલેન્ડની ટીમમાં પસંદગી થયા બાદ તેની બહેને મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું કે, ‘મને બહુ ખુશી થાય છે કે, ભાઈની ટીમમાં પસંદગી થઈ છે. મારો ભાઈ નાનપણથી ક્રિકેટ મેચ રમી રહ્યો છે. તે શાળામાં મેચ રમતો હતો, ત્યારબાદ તે એકેડેમીમાં જોડાયો હતો. મેં ભાઈ સાથે વાત કરી, ત્યારે ટીમમાં સ્થાન મળતાં તે ખૂબ ખુશ છે અને અમારો પરિવાર પણ ખૂબ ખુશ છે. મને આશા છે કે, મારો ભાઈ સારુ પ્રદર્શન કરશે.’
જય મૂંદડા રાજસ્થાનનો રહેવાસી
જમણેરી ઝડપી બોલર જય મૂંદડા રાજસ્થાન ટોંકનો રહેવાસી છે. તે ભણતર માટે આયરલેન્ડ ગયો હતો. ત્યાં જવા છતાં તેણે ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડ્યું ન હતું અને ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પહેલા આયરલેન્ડની નાગરિકતા મેળવી અને પછી ઑલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવ્યું.
વૈભવ તોડશે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો તેણે શ્રીલંકામાં એ-ટીમ ટ્રાઇ-સીરિઝ ODI ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં તેણે માત્ર 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 94 રન બનાવ્યા હતા. સૌથી નોંધપાત્ર વાત એ છે કે વૈભવે માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરી દીધી હતી. તેવામાં વૈભવ આજની આયરલેન્ડ મેચમાં ડેબ્યૂ કરીને સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચી શકે છે.
સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે?
બેલફાસ્ટમાં ભારત વિરુદ્ધ આયર્લેન્ડ સામેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જો વૈભવ મેદાનમાં ઉતરશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનશે. સચિને 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. હવે વૈભવ પાસે તે રેકોર્ડ ફરીથી લખવાની તક છે, ત્યારે તે મહાન સચિન તેંડુલકરના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડશે?
રોમાનિયાના ખેલાડીના નામે સૌથી નાની ઉંમરે ડેબ્યૂનો રેકોર્ડ
જો કે, વિશ્વના સૌથી નાની ઉંમરના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂનો રેકોર્ડ રોમાનિયાના મારિયન ઘેરાસિમના નામે છે. જેણે 2020માં બુલ્ગારિયા સામે માત્ર 14 વર્ષની ઉંમરે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ક્રિકેટમાં રેકોર્ડ બનાવવા સહેલા છે પણ તેમને યાદગાર બનાવવા મુશ્કેલ છે. જેમ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીને મહાનતા સુધી પહોંચાડી હતી તેમ વૈભવનો ખરો પડકાર હવે શરૂ થશે. પરંતુ શ્રીલંકાની ઇનિંગ્સે એક વાત સાબિત કરી દીધી છે કે, યુવા બેટર પ્રેસરની સ્થિતિમાં પાછળ હટવાનો નથી. તે મોટી તકની રાહ જોતો નથી પરંતુ તક મળતાં જ તેને બદલી નાખે છે. જ્યારે વૈભવ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરશે ત્યારે તે ભારતનો 120મો T20 આંતરરાષ્ટ્રીય ખેલાડી બનશે.









