IPL મેગા ઓક્શન પહેલા મોટા ફેરબદલ! સંજૂ સહિત આ 3 ખેલાડીઓને રીલીઝ કરી શકે છે રાજસ્થાન રોયલ્સ

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની તૈયારીઓ વચ્ચે રાજસ્થાન રોયલ્સ (RR) હવે ટીમમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. ગત સિઝનમાં અપેક્ષા કરતાં નબળું પ્રદર્શન રહેતા, ટીમ મેનેજમેન્ટ કેટલાક મોટા અને મોંઘા ખેલાડીઓને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી મેગા ઓક્શન માટે પૂરતી રકમ ઉપલબ્ધ થઈ શકે.
સંજુ સેમસનની વિદાય લગભગ નિશ્ચિત!
રાજસ્થાન રોયલ્સના કૅપ્ટન સંજુ સેમસનને IPL 2026ની હરાજી પહેલા રિલીઝ કરવાની વ્યાપક ચર્ચા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ફ્રેન્ચાઇઝીએ તેને વિદાય આપવાનો નિર્ણય લઈ લીધો છે. ગયા સિઝનમાં સંજુ સેમસન ઈજાઓને કારણે માત્ર નવ મેચ રમ્યો હતો અને તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ મેનેજમેન્ટ હવે નવા કૅપ્ટન અને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવા માંગે છે.
મહિષ તીક્ષણા અને હેટમાયર પર પણ લટકતી તલવાર
સંજુ સેમસન ઉપરાંત, અન્ય બે મોટા ખેલાડીઓ પર પણ રિલીઝ થવાની તલવાર લટકી રહી છે. જેમાં શ્રીલંકાના સ્પિનર મહિષ તીક્ષણાને IPL 2025માં 4.40 કરોડ રૂપિયામાં સામેલ કરાયો હતો, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. તેણે સમગ્ર સિઝનમાં 9.26ની ઈકોનોમી અને 37થી વધુની સરેરાશ સાથે ફક્ત 11 વિકેટ લીધી હતી. RR હવે પાવરપ્લે અને ડેથ ઓવર બંનેમાં અસરકારક સાબિત થઈ શકે તેવા વધુ સારા સ્પિન વિકલ્પો શોધી રહી છે.
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર બેટર શિમરોન હેટમાયરનું પ્રદર્શન છેલ્લા કેટલાક સીઝનમાં ઘટ્યું છે. 11 કરોડ રૂપિયામાં રિટેન કરાયેલા હેટમાયરે 2025 સીઝનમાં 14 મેચમાં માત્ર 239 રન બનાવ્યા હતા. તે ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. હેટમાયર 2022ની સીઝન પછી એક પણ સીઝનમાં 300 રનનો આંકડો પાર કરી શક્યો નથી, તેથી ફ્રેન્ચાઇઝી હવે નવા ફિનિશરની શોધ કરી રહી છે.
આ પણ વાંચો: છુટાછેડાના બે વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી, મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યાં
રાજસ્થાનની નવી વ્યૂહનીતિ
રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટ હવે સ્પષ્ટપણે નવી વ્યૂહનીતિ અને નવા ચહેરાઓ સાથે IPL 2026 સીઝનમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. ટીમને મજબૂત બનાવવા માટે અનુભવી ઓલરાઉન્ડર અને નિષ્ણાત બેટરની શોધ પર ભાર મૂકવામાં આવશે, જેથી ફરી એકવાર ટાઇટલ જીતવાની રેસમાં સામેલ થઈ શકાય.