Sports

રાહુલ દ્રવિડને 'લાઈફટાઈમ અચિવમેન્ટ' ઍવોર્ડ આપશે BCCI, શુભમન ગિલનું પણ કરાશે સન્માન!

By GS Team
12 Mar 20262 mins read
TukuTouch Logo
BCCI નમન એવોર્ડ્સ 2026 માં રાહુલ દ્રવિડને લાઈફટાઈમ એચીવમેન્ટ અને શુભમન ગિલને ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ અપાશે. દિલ્હીમાં 15 માર્ચે યોજાશે ભવ્ય સમારોહ.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ દ્રવિડને 'લાઈફટાઈમ અચિવમેન્ટ' ઍવોર્ડ આપશે BCCI, શુભમન ગિલનું પણ કરાશે સન્માન!

BCCI Lifetime Achievement award : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 15 માર્ચના રોજ દિલ્હીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક 'નમન એવોર્ડ્સ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટર અને પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને સર્વોચ્ચ સન્માન 'કર્નલ સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી નવાજવામાં આવશે.

રાહુલ દ્રવિડ: એક મજબૂત ખેલાડી અને સફળ કોચ

53 વર્ષીય રાહુલ દ્રવિડની સફર ભારતીય ક્રિકેટ માટે પ્રેરણારૂપ રહી છે. ‘ધ વોલ’નું બિરુદ ધરાવતા દ્રવિડ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ‘બિગ ફોર’ બેટિંગ લાઇન-અપના અભિન્ન અંગ છે. ભારતને વિદેશની ધરતી પર જીતતા શીખવ્યું હતું. ટેસ્ટ અને વનડેમાં 10,000 થી વધુ રન બનાવનાર દ્રવિડ તેમની પેઢીના સૌથી શ્રેષ્ઠ બેટર્સમાંના એક ગણાય છે.

ઐતિહાસિક કોચિંગ કરિયર

કોચ તરીકે તેમણે 2018 માં અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ત્યારબાદ 2021 માં સીનિયર ટીમના હેડ કોચ બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ ભારત 2023 વનડે વર્લ્ડ કપમાં રનર્સ-અપ રહ્યું અને 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો. નોંધનીય છે કે ભારતે ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ 2026 માં પણ જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો : અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર

શુભમન ગિલ સહિત યુવા સ્ટાર્સનું સન્માન

ક્રિકેટર ઓફ ધ યર: વર્તમાન સમયના સ્ટાર બેટર શુભમન ગિલને તેના શાનદાર પ્રદર્શન બદલ 'ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ મળશે.

બેસ્ટ ઓલરાઉન્ડર: મુંબઈના યુવા ખેલાડી આયુષ મ્હાત્રેને ઘરેલું લિમિટેડ ઓવર ક્રિકેટમાં તેના દમદાર દેખાવ માટે 'લાલા અમરનાથ એવોર્ડ' આપવામાં આવશે.

શ્રેષ્ઠ એસોસિએશન: ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બદલ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને (MCA) શ્રેષ્ઠ ક્રિકેટ એસોસિએશન તરીકે સન્માનિત કરવામાં આવશે.

મિતાલી રાજ પર પણ વિચારણા

સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI ભારતની પૂર્વ મહિલા કેપ્ટન મિતાલી રાજને પણ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, જે મહિલા ક્રિકેટ માટે ગર્વની વાત હશે.

કોણ છે સીકે નાયડુ જેમનાં નામે BCCI એ એવોર્ડ રાખ્યો?

કર્નલ સીકે નાયડુ (કોટ્ટારી કનકૈયા નાયડુ) ભારતીય ક્રિકેટના પિતામહ અને પ્રથમ ટેસ્ટ કેપ્ટન હતા. વર્ષ 1932માં લોર્ડ્સ ખાતે ભારતની પ્રથમ ટેસ્ટમાં તેમણે ટીમનું નેતૃત્વ કર્યું હતું. હોલકરના મહારાજાએ તેમને લશ્કરમાં ‘કર્નલ’નો હોદ્દો આપ્યો હતો, જે તેમની ઓળખ બની ગયો. તેઓ વિસ્ફોટક બેટિંગ અને લાંબી સિક્સર મારવા માટે જાણીતા હતા. આશ્ચર્યજનક રીતે, તેમણે 68 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમીને રેકોર્ડ સર્જ્યો હતો. ભારત સરકારે તેમને 1956માં પદ્મભૂષણથી નવાજ્યા હતા. આજે પણ BCCIનું સર્વોચ્ચ સન્માન અને અંડર-23 ટુર્નામેન્ટ તેમના નામ સાથે જોડાયેલા છે.