ટીમ ઈન્ડિયાને આ બોલરે કરાવ્યું મોટું નુકસાન, 100થી વધુ રન લૂંટાવ્યા, 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
India vs England 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 471 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ 465 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ખેરવી અને સારી બોલિંગનું ઉદાહરણ રજૂ કર્યું. જ્યારે બીજી તરફ પ્રસિદ્ધ કૃષ્ણા પોતાની બોલિંગથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ તેની સામે ખૂબ જ સરળતાથી રન બનાવ્યા.
વરુણ આરોનનો રેકોર્ડ તોડ્યો
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો ઝડપી પરંતુ તેણે ઘણા રન પણ આપ્યા હતા. તે ઈંગ્લિશ બેટ્સમેનો માટે સરળ શિકાર બની ગયો. તેણે 20 ઓવરમાં કુલ 128 રન આપ્યા હતા. આ દરમિયાન તેની ઈકોનોમી 6.40 રહી હતી. આ સાથે જ તે ભારત માટે એક ટેસ્ટ ઈનિંગમાં ઓછામાં ઓછા 120 બોલ ફેંકતી વખતે સૌથી ખરાબ ઈકોનોમી ધરાવતો બોલર બની ગયો છે. તેણે વરુણ આરોનનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2014માં વરુણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 23 ઓવર ફેંકીને કુલ 136 રન આપ્યા હતા. આ દરમિયાન તેની ઇકોનોમી 5.91 રહી હતી.
ઓલી પોપે ફટકારી સદી
ભારતીય ટીમે પોતાની પહેલી ઈનિંગમાં 471 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે પોતાની પહેલી ઈનિંગમાં 465 રન બનાવ્યા અને આ રીતે ટીમ ઈન્ડિયાને 6 રનની સામાન્ય લીડ મળી. ઈંગ્લેન્ડ માટે ઓલી પોપે સદી ફટકારી અને 106 રનની ઈનિંગ રમી. બીજી તરફ હેરી બ્રુકે 99 રનનું યોગદાન આપ્યું. બેન ડકેટે 62 રન બનાવ્યા. આ ખેલાડીઓના કારણે જ ઈંગ્લેન્ડની ટીમ ભારતના સ્કોરની નજીક પહોંચી શકી. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી. પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ લીધી અને બે વિકેટ મોહમ્મદ સિરાજના ખાતામાં ગઈ.
આ પણ વાંચો: નિવૃત્તિ અંગે બુમરાહની જાહેરાત, કહ્યું- અમુક લોકો બોલ્યા રાખે, હું ધ્યાન નથી આપતો
ભારત માટે ત્રણ બેટ્સમેનોએ ફટકારી સદી
ભારત માટે યશસ્વી જયસ્વાલ (101 રન), રિષભ પંત અને શુભમન ગિલે સદી ફટકારી હતી. કેપ્ટન ગિલે સૌથી વધુ 147 રન બનાવ્યા હતા. પંતે 134 રનની ઈનિંગ રમી હતી. આ બેટ્સમેન સિવાય બાકીના ખેલાડીઓ સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતે 471 રન બનાવ્યા હતા.