નિવૃત્તિ અંગે બુમરાહની જાહેરાત, કહ્યું- અમુક લોકો બોલ્યા રાખે, હું ધ્યાન નથી આપતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jasprit Bumrah On Retirement: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 14મી વખત બુમરાહે 5 વિકેટ ઝડપી છે. ત્યારબાદ બુમરાહે પોતાના ટિકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે, જેમણે તેના વર્કલોડ મેનેજમેન્ટ પર અને તેના ભવિષ્ય વગેરે પર સવાલ ઉઠાવ્યા હતા. બુમરાહે કહ્યું કે, એ મારા હાથમાં નથી કે લોકો મારા વિશે શું લખે છે. બુમરાહે પોતાની બોલિંગથી તો બધાને ચૂપ કરી જ દીધા પરંતુ પોતાના નિવેદનથી પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે.
ઈંગ્લેન્ડની ટોપ 3 વિકેટ જસપ્રીત ઝડપી છે, તો બોલિંગમાં એકલો યોદ્ધાની જેમ લડી રહ્યો હતો, જોકે, બાદમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજને પણ વિકેટ મળી. ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 465 રન પર સમેટાઈ ગઈ અને ભારતે 6 રનની લીડ હાંસલ કરી. જસપ્રીત બુમરાહે 5 વિકેટ ખેરવી. ત્યારબાદ તેણે કહ્યું કે, 'હું બીજાના કહેવા પર નહીં પરંતુ પોતાના વિચાર પર વિશ્વાસ કરું છું. મને હંમેશા ઓછો આંકવામાં આવ્યો છે, લોકો કહે છે કે મારુ કરિયાર જલ્દી ખતમ થઈ જશે.'
હું એવો નથી: બુમરાહ
જસપ્રીત બુમરાહે કહ્યું કે, 'હું કોણ છું અને કઈ વસ્તુ પર વિશ્વાસ કરું છું, એ જ મારા માટે મહત્વનું છે. હું કેવી રીતે કામ કરું છું તે પણ તેના પરથી જ નક્કી થવું જોઈએ. જો કોઈ ઈચ્છે છે કે હું કોઈ ખાસ રીતે રમું, તો હું તમને કહી દઉં કે હું એવો નથી. મારી તૈયારી અને મારી વિચારસરણી હંમેશા ટીમ ઈન્ડિયા માટે રમવાની મારી ઈચ્છા પર આધારિત રહી છે.'
બુમરાહે આગળ કહ્યું કે, 'મેં મારા દમ પર ભારતીય ટીમમાં સ્થાન બનાવ્યું છે, લોકોએ કહ્યું કે, હું જલ્દી નિવૃત થઈ જઈશ. મને મારી જાત પર વિશ્વાસ રહે છે અને તેના દમ પર જ હું ત્રણેય ફોર્મેટમાં પહોંચ્યો છું. લોકોએ મને એક વાર જ ન નકાર્યો પરંતુ પહેલા કહ્યું કે હું રમી શકીશ નહીં, પછી કહ્યું કે હું લાંબો સમય ટકી નહીં શકીશ. પરંતુ મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લગભગ 10 વર્ષ અને IPLમાં રમીને લગભગ 12-13 વર્ષ થઈ ગયા છે.'
આ પણ વાંચો: ...તો બુમરાહને 9 વિકેટ મળી હોત! તેંડુલકરે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજને ટોણો માર્યો
જ્યાં સુધી ભગવાને લખ્યું હશે ત્યાં સુધી રમીશ
જસપ્રીત બુમરાહે વધુમાં કહ્યું કે, 'લોકો હજુ પણ કહે છે કે હવે હું નિવૃત થઈ જઈશ. તેમને રાહ જોવા દો, હું આવી બાબતો પર ધ્યાન નથી આપતો. હું કામ કરતો રહીશ, દર 3-4 મહિને લોકો કહે છે કે હું હવે નહીં ટકીશ. પરંતુ જ્યાં સુધી ભગવાને લખ્યું છે ત્યાં સુધી હું રમતો રહીશ. હું મારી જાતને તૈયાર કરું છું અને બધું ભગવાન પર છોડી દઉં છું. હું ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનો પ્રયાસ કરું છું.'
કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી
જસપ્રીત બુમરાહે ભારતની બહાર એક ઈનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લેવાના કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તે SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર પણ બની ગયો છે, અને વસીમ અકરમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.









