વિચાર્યું નહોતું કે ભારતીય ક્રિકેટરોએ આવું કરશે, પાકિસ્તાનની ફજેતી થઈ, PCBએ લીધો મોટો નિર્ણય
PCB Big Decision: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત દ્વારા પાકિસ્તાન સામેની મેચનો વારંવાર બહિષ્કાર કર્યો છે. ભારતના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) મોટો નિર્ણય લીધો છે. પીસીબીએ ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
પીસીબીની બેઠકમાં લેવાયો નિર્ણય
અહેવાલ અનુસાર, પીસીબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જુલાઈના રોજ એક બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, ભારતીય ખેલાડીઓએ WCL 2025માં એક વાર નહીં, પરંતુ બે વાર પાકિસ્તાન સામે મેચ રમવાનો ઈનકાર કર્યો હતો, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. હવે 'પાકિસ્તાન' શબ્દનો ઉપયોગ કોઈપણ ખાનગી લીગમાં કરાશે નહીં.'
પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ સ્તરે ક્રિકેટ ન રમવાનો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓએ આ ખાનગી ક્રિકેટ લીગમાં પણ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો હતો. જોકે, આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ખાનગી ઈવેન્ટ હોવાથી પાકિસ્તાન કંઈ કરી શકતું નથી. જો તે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અથવા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ટુર્નામેન્ટ હોત, તો પાકિસ્તાન અવાજ ઉઠાવી શક્યું હોત.
આ પણ વાંચો: IND vs ENGની મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: જયસ્વાલથી ડર્યો ઈંગ્લેન્ડનો કેપ્ટન! જુઓ VIDEO
પાકિસ્તાન નામનો ઉપયોગ કરવા પર કાર્યવાહી થશે
પાકિસ્તાન શનિવારે (બીજી ઓગસ્ટ)ના રોજ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ રમવાનું છે, આ ટાઇટલ મેચમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ભવિષ્યમાં ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો ઉપયોગ કરવા માટે PCB પાસેથી સ્પષ્ટ પરવાનગી લેવી પડશે. જો કોઈ ખાનગી ક્રિકેટ લીગમાં પાકિસ્તાન નામનો ઉપયોગ કરે છે તો તેના પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
પાકિસ્તાન ચેમ્પિયન્સનું પ્રદર્શન
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેણે ગ્રુપ સ્ટેજમાં 5 મેચ રમી હતી, જેમાંથી તેઓએ 4 મેચ જીતી હતી જ્યારે એક મેચ રદ થઈ હતી. ટીમના 9 પોઈન્ટ હતા અને તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતા. ઈન્ડિયા ચેમ્પિયન્સે સેમિ-ફાઈનલ મેચમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો અને તેના કારણે તેમણે ફાઇનલમાં પોતાનું સ્થાન મળ્યું હતું.