ફિફા વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: ઈતિહાસમાં પહેલીવાર જર્મની પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું, પેરાગ્વેએ રચ્યો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup 2026 Germany vs Paraguay football matchફિફા વિશ્વ કપ 2026 (FIFA World Cup 2026)ના રાઉન્ડ ઓફ 32 માં ફૂટબોલ જગતનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. મંગળવારે બોસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પેરાગ્વેએ 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. નિર્ધારિત સમય સુધી બંને ટીમો 1-1 ની બરાબરી પર રહી હતી. જેના કારણે મેચનો ફેંસલો પેનલ્ટી શૂટઆઉટ દ્વારા કરવામાં આવ્યો હતો. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં જર્મનીની ટીમ આ અગાઉ ક્યારેય પણ પેનલ્ટી શૂટઆઉટમાં હારી ન હતી, પરંતુ પેરાગ્વેએ આ અજેય રેકોર્ડ તોડીને અંતિમ-16 (રાઉન્ડ ઓફ 16) માં જગ્યા બનાવી લીધી છે.
મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર
મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત રમી હતી. મેચની 42મી મિનિટે જુલિયો એન્સિસોએ શાનદાર ગોલ કરીને પેરાગ્વેને 1-0 ની લીડ અપાવી દીધી હતી. જો કે, બીજા હાફમાં જર્મનીએ જોરદાર વાપસી કરી હતી. ફ્લોરિયન વિર્ટ્ઝના શાનદાર ક્રોસ પાસ પર કાઈ હેવર્ટ્ઝે હેડર દ્વારા ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ જર્મનીના જોનાથન ટાહે પણ વધુ એક હેડર ગોલ કર્યો હતો, પરંતુ રેફરીએ તેને અમાન્ય જાહેર કર્યો હતો. નિર્ધારિત સમય સુધી સ્કોર લાઇન 1-1 રહેતા મેચ શૂટઆઉટમાં પ્રવેશી હતી.
પેનલ્ટી શૂટઆઉટનો શ્વાસ અધ્ધર કરતો રોમાંચ
શૂટઆઉટની શરૂઆત જર્મની માટે ખરાબ રહી કારણ કે કાઈ હેવર્ટ્ઝની પહેલી જ પેનલ્ટી પેરાગ્વેના ગોલકીપરે રોકી લીધી હતી. ત્યારબાદ પેરાગ્વે તરફથી મોરિસિયો અને ગુસ્તાવો ગોમેઝે ગોલ કર્યા હતા. જ્યારે જર્મની માટે જોશુઆ કિમીચ અને જમાલ મુસિયાલાએ સ્કોર 2-2 ની બરાબરી પર રાખ્યો હતો. રોમાંચ ત્યારે વધ્યો જ્યારે મટિયાસ ગેલાર્ઝાએ ગોલ કરીને પેરાગ્વેને આગળ કર્યું અને જર્મનીના નિક વોલ્ટેમેડનો શોટ રોકાઈ ગયો. જો કે, અનુભવી ગોલકીપર મેન્યુઅલ નોયરે એન્ટોનિયો સનાબ્રિયા અને ફેબિયન બાલબુએનાના શાનદાર શોટ્સ રોકીને જર્મનીની આશા છેલ્લી ઘડી સુધી જીવંત રાખી હતી અને નાદિમ અમીરીએ સ્કોર 3-3 કર્યો હતો.
જોસે કનાલેના વિનિંગ ગોલથી પેરાગ્વે અંતિમ-16 માં
ભારે દબાણ વચ્ચે પેરાગ્વેને ત્રીજો નિર્ણાયક મોકો મળ્યો હતો. જોસે કનાલેએ કોઈ પણ ભૂલ કર્યા વિના શાનદાર પેનલ્ટી ફટકારીને બોલને ગોલપોસ્ટમાં ધકેલી દીધો હતો અને પોતાની ટીમને 4-3 થી ઐતિહાસિક જીત અપાવી હતી. કોચ ગુસ્તાવો અલ્ફારોના માર્ગદર્શન હેઠળ પેરાગ્વેએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યારે ફેવરિટ ગણાતી જર્મનીની સફર અહી જ સમાપ્ત થઈ ગઈ છે.









