શ્રીલંકા ટીમમાં ડરનો માહોલ! પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ બાદ 8 ખેલાડીઓ પરત ફર્યા, મેચ રદ થવાની સંભાવના

PAK vs SL: પાકિસ્તાન મુલાકાતે ગયેલી શ્રીલંકાની ટીમના આઠ ખેલાડી સુરક્ષા કારણોથી ગુરૂવારે સ્વદેશ પરત ફરશે. આ નિર્ણયનું કારણ ઇસ્લામાબાદમાં થયેલા એક મોટા બોમ્બ બ્લાસ્ટને ગણાવાયું છે, જેમાં 12 લોકોના મોત થઈ ગયા અને કેટલાક ઘાયલ થયા. શ્રીલંકા ક્રિકેટના એક સૂત્રએ બુધવારે આ માહિતી આપી. જણાવી દઈએ કે, શ્રીલંકાની ટીમ હાલના દિવસોમાં પાકિસ્તાનના પ્રવાસે છે અને ત્રણ મેચોની વનડે સીરિઝ રમી રહી છે. પહેલી મેચ રમાઈ ચૂકી છે અને બીજી મેચ ગુરૂવારે (13 નવેમ્બર) રમાવાની હતી. જો કે, સમાચાર એજન્સી PTIએ જણાવ્યું કે, હવે આ મેચ નહીં રમાય.
આ પણ વાંચો: 'ઘરમાં ઘૂસી હુમલો કરીશું, સજ્જડ જવાબ મળશે', ખ્વાઝા આસિફની અફઘાનિસ્તાનને ધમકી
8 ખેલાડીઓએ સ્વદેશ પરત ફરવાનો લીધો નિર્ણય
શ્રીલંકાની ટીમ ત્રણ મેચોની વનડે સીરિઝ બાદ પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની સાથે ત્રિકોણીય સીરિઝ પણ રમવાની હતી. જોકે, હવે ટીમના આઠ ખેલાડીઓએ સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. એસએલસીના સૂત્રોના અનુસાર, જે ખેલાડી સ્વદેશ પરત ફરી રહ્યા છે, તેમની જગ્યાએ નવા ખેલાડીઓને મોકલવામાં આવશે. રાવલપિંડીના ઇસ્લામાબાદ નજીક હોવાના કારણે ખેલાડીઓએ પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને ઘર પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી.
2009માં થયો હતો શ્રીલંકાની ટીમ પર હુમલો
લાહોરમાં 2009માં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અનેક ખેલાડીઓ ઘાયલ થયા હતા અને પાકિસ્તાની સુરક્ષા કર્મીઓના મોત થયા હતા. આ હુમલા બાદ વિદેશી ટીમોએ અંદાજે એક દાયકા સુધી પાકિસ્તાનનો પ્રવાસ નહોતો કર્યો અને પાકિસ્તાને પોતાની ડોમેસ્ટિક મેચ UAEમાં રમવી પડી હતી.

