પાકિસ્તાનની ઇસ્લામાબાદ કોર્ટનાં પટાંગણમાં બોમ્બ વિસ્ફોટ: 12નાં મોત, 20થી વધુને ગંભીર ઇજાઓ

- પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે ફરી ફરી વાગે છે
- બપોરે 12.30 કલાકે 'પિક અવર્સ'માં આત્મઘાતી વિસ્ફોટ પાર્કિંગ-લોટમાં થયેલા આ વિસ્ફોટથી કેટલીક કાર સળગી ઊઠી હતી
ઇસ્લામાબાદ : ૧૯૭૧નાં યુદ્ધમાં ભારતના હાથે પ્રંચડ પરાજય પામ્યા પછી પાકિસ્તાને, ભારતને પજવવા આતંકવાદને પાળ્યો પોષ્યો છે. હવે તે જ આતંકવાદ તેની સામે પડયો છે. કાબુ-બહાર ચાલ્યો ગયો છે. પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે વારેવાર વાગે છે.
આજે (મંગળવારે) બપોરે ૧૨.૩૦ કલાકે કોર્ટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે એક પાર્કડ વ્હીકલમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. તેનો ધડાકો એટલો જબરજસ્ત હતો કે, તેનો અવાજ ૬ કિમી. દૂર સુધી સંભળાયો હતો.
આ વિસ્ફોટના કેટલાયે વિડીયો ઉતારવામાં આવ્યા છે. જેમાં પાર્કિંગ લોટમાંથી ધૂમાડાના ગોટા અને ભડકા દેખાય છે.
આ વિસ્ફોટમાં મોટા ભાગના વકીલો માર્યા ગયા હતા. ઇજા પામેલાઓમાં પણ ઘણા વકીલો હતા. આ વિસ્ફોટ આત્મઘાતી વિસ્ફોટ હોવાની પોલીસને પૂરી શંકા છે. આ વિસ્ફોટમાંથી બચી ગયેલા એક વકીલ રૂસ્તમ મલિકે પત્રકારોને કહ્યું હતું કે 'મેં જેવી મારી કાર પાર્ક કરી, અને કોર્ટનાં મકાનમાં દાખલ થયો હતો ત્યારે મેં બહારના મેઈન ગેઈટ પાસે પ્રચંડ ધડાકો સાંભળ્યો હતો. મેં બે મૃતદેહો પણ જોયા, કેટલીયે મોટરો સળગી રહી હતી.'
પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ આ દુષ્કૃત્યને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને માર્યા ગયેલાઓનાં કુટુંબીજનો પ્રત્યે અંતરની સહાનુભૂતિ દર્શાવી હતી. તેમજ ઇજાગ્રસ્તો વહેલા સાજા થાય તે માટે ખુદા પાસે દુઆ માંગી હતી.
આ પૂર્વે થોડા કલાકે જ પાકિસ્તાનમાં સલામતી દળોએ તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટી.ટી.પી.) ના આતંકીઓએ દક્ષિણ વઝીરીસ્તાન સ્થિત વાનમાં કેડેટ-કોલેજ ઉપર થયેલો ત્રાસવાદી હુમલો નિષ્ફળ બનાવ્યો હતો અને બે ત્રાસવાદીઓને ઠાર પણ કર્યા હતા. જો કે ટીટીપીએ તે હુમલો કર્યો હોવાનો ઇન્કાર કર્યો છે.
કાબુલમાં તાલિબાનોએ સત્તા ગ્રહણ કર્યા પછી ટીટીપી વધુ બળવાન બન્યું છે. આ પૂર્વે ૨૦૧૪ માં પેશાવરમાં આર્મી સ્કુલ ઉપર થયેલા આતંકી હુમલામાં ૧૫૪નાં મૃત્યુ થયાં હતાં.
પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મહ અને અન્સાર ગઝની-ઉલ-હિન્દનાં પાલક આતંકીઓએ દિલ્હીમાં હુમલા કર્યા હતા. પોલીસે ૨૯૦૦ કિ.ગ્રા. જેટલું મટીરીયલ જપ્ત પણ કર્યું હતું.

