IPLમાં ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીના માલિક બદલાયા, ટોરેન્ટ ગ્રૂપે 67% હિસ્સો ખરીદ્યો
Torrent Group IPL Franchise : આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રના અગ્રણી ટોરેન્ટ ગ્રુપે આઇપીએલની ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીમાં 67 ટકા હિસ્સેદારી ખરીદી લીધી છે. આ સાથે અમદાવાદના ઉદ્યોગજૂથે રમત ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. અલબત્ત, આ ખરીદી અંગે કોઈ રકમની જાહેરાત કરવામાં આવી નથી. આ ખરીદી ને બીસીસીઆઇ સહિતની શરતોને આધીન મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરશે.
સીવીસીએ વર્ષ 2021માં રૂપિયા 5625 કરોડની બોલી લગાવીને અમદાવાદની ફ્રેન્ચાઈઝી ખરીદી હતી અને ત્યારબાદ તેને ગુજરાત ટાઈટન્સ નામ આપવામાં આવ્યું હતુ. ટોરેન્ટ ગ્રુપે તેની ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લીમિટેડ કંપની મારફતે ગુજરાત ટાઈટન્સમાં હિસ્સેદારી ખરીદી છે. અત્યાર સુધી ગુજરાત ટાઈટન્સની માલિકી ઈરેલિયા કંપની પાસે હતી. ઇરેલિયા કંપનીની માલિકી સીવીસીની છે. ટોરેન્ટ ગ્રુપે ઈરેલિયા કંપની પાસેથી આ સ્ટેક ખરીદ્યો છે.
આ સોદા અનુસાર ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીમાં ઈરેલિયા કંપનીનો 33 ટકા જેટલી હિસ્સેદારી રહેશે. ગુજરાત ટાઈટન્સની ટીમ આગામી સિઝનમાં હવે નવા માલિકની સાથે ઉતરશે.
આઇપીએલમાં વર્ષ 2022માં પ્રવેશ મેળવનારી ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીએ પહેલી જ સિઝનમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ત્યારબાદના વર્ષે ગુજરાતની ટીમ રનર અપ બની હતી.