મહિલા ક્રિકેટમાં ભારત પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસમાં પહેલીવાર કોઈ પણ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની અનોખી સિદ્ધિ હાંસલ કરતાં ૨૦૨૫ને યાદગાર બનાવ્યું હતુ. જેમીમાની સેમિ ફાઈનલની અણનમ વિજયી સદીને સહારે ભારતે સાત વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને મહાત આપી હતી. જ્યારે પ્રતીકાની ઈજાના કારણે સેમિ ફાઈનલ અગાઉ જ ટીમમાં સ્થાન મેળવનારી શેફાલીએ ફાઈનલમાં આક્રમક અડધી સદી સાથે સ્પિન બોલિંગનો જાદુ ચલાવતા ટીમને ઘરઆંગણે યોજાયેલા આઇસીસી મહિલા વન ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતુ. પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્માનો ઓલરાઉન્ડ દેખાવ, ઓપનર સ્મૃતિ મંધાનાની ધુઆંધાર બેટિંગ તેમજ કેપ્ટન હરમનપ્રીતના માર્ગદર્શનમાં મહિલા ખેલાડીઓએ ઈતિહાસ રચી દીધો હતો. સ્મૃતિએ સૌથી ઝડપી ૫૦૦૦ રન તેમજ કેલેન્ડ વર્ષમાં વન ડેમાં ૧૦૦૦ રન અને કેલેન્ડર વર્ષમાં સૌથી વધુુ સદીનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો.
ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય : ટી-20માં દબદબો
ટીમ ઈન્ડિયા માટે ૨૦૨૫નું વર્ષ વ્હાઈટબોલ ક્રિકેટ એટલે વન ડે અને ટી-૨૦માં સફળતાની ઝગમગતુ રહ્યું હતુ. ટીમ ઈન્ડિયાએ મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના શાનદાર દેખાવની સાથે સાથે ભારતને ચેમ્પિયન બનાવવામાં કે. એલ. રાહુલ, મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, વરુણ ચક્રવર્થી, કુલદીપ યાદવ તેમજ શુબ્મન ગિલે નિર્ણાયક દેખાવ કર્યો હતો. ભારતે આ દરમિયાન પાકિસ્તાનને હરાવ્યું હતુુ. વળી, સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને રેકોર્ડ ૧૪મી આઈસીસી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશીને કાંગાંરુઓનો જ રેકોર્ડ તોડયો હતો. ભારતે ૨૦૧૩ પછી આ પહેલી અને ઓવરઓલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ભારતે વર્ષ દરમિયાન ત્રણ વન ડે શ્રેણીમાંથી બે જીતી હતી અને એક ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ગુમાવી હતી. જ્યારે ટી-૨૦માં એશિયા કપમાં વિજેતા ભારતે ઘરઆંગણે દ્વિપક્ષીય શ્રેણીમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી હતી.
રોહિત અને કોહલી ટાઈગર્સ અભી જિન્દા હૈ
ભારતીય ક્રિકેટના આધારસ્તંભ સમાન બે્ટસમેનો વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ચાલુ વર્ષ સફળતાની સાથે સાથે સામા પવને તરીને દરિયો પાર કરવા જેવું બની રહ્યું હતુ. બંને દિગ્ગજોએ અચાનક જ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં ચાહકોએ આંચકો અનુભવ્યો હતો. તેમાંય રોહિતને જાણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવાનો શિરપાવ અપાતો હોય તેમ વન ડેના કેપ્ટન તરીકે દૂર કરવામાં આવ્યો હતો. બંને દિગ્ગજોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ પણ સર્જાયો હતો. જોકે બંનેએ વન ડેમાં કમાલનો દેખાવ જારી રાખતાં ટાઈગર્સ જિન્દા હૈનો મેસેજ વિરોધીઓને આપી દીધો હતો. કોહલીએ સળંગ બે વન ડે સદી સાથે વન ડેમાં રેકોર્ડ ૫૨મી અને ૫૩મી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે ક્રિકેટના કોઈ એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેણે તેંડુલકર (ટેસ્ટમાં ૫૧ સદી)ને પાછળ રાખ્યો હતો.
એશિયા કપ જીતવા છતાં ભારત ટ્રોફીથી વંચિત
ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ રોહિત-કોહલી-જાડેજાની નિવૃત્તિ બાદ પણ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં દબદબો જારી રાખતાં એશિયા કપ જીતી લીધો હતો. ઓપરેશન સિંદૂર બાદ ભારત પહેલીવાર પાકિસ્તાન સામે ક્રિકેટના મેદાનમાં ટકરાયું હતુ. ભારતે આગવો દબદબો જાળવતા ફાઈનલ સહિત ત્રણ વખત પાકિસ્તાનને પરાજય આપીને ટાઈટલ જીત્યું હતુ. જોકે, પાકિસ્તાન સાથે આખી ટુર્નામેન્ટમાં હાથ ન મિલાવવાનો શિરસ્તો જાળવનારા ભારતે એશિયા કપ ટ્રોફી પાકિસ્તાનના આંતરિક મંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન મોહસિન નકવીના હાથે સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. નકવી પણ બેશરમ થઈને ટ્રોફી લઈને ચાલ્યા ગયા હતા અને ભારતીય ક્રિકેટ ટીમે ટ્રોફી વિના જ ચેમ્પિયન તરીકેની ઉજવણી કરી હતી. ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર વિજતાને ટ્રોફી એનાયત થઈ નહતી. ભારતના ભરપૂર પ્રયાસો છતાં આજ દિન સુધી ભારતને એશિયા કપ ટ્રોફી મળી શકી નહતી.
ગંભીર અને અગરકર કહીં પે નિગાહેં, કહીં પે નિશાના
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરની જોડી વર્ષ દરમિયાન તેમના નિર્ણયો અને પ્રયોગોના કારણે ચર્ચાના ચગડોળે રહી હતી. ચેમ્પિયન ટ્રોફીની જીત સાથે બંનેને ભારતીય ચાહકોએ પ્રશંસાના પુષ્પોથી વધાવી લીધા હતા.જોકે તબકકાવાર તેમના નિર્ણયો અને ભારતીય ક્રિકેટમાં શરુ કરેલા પ્રયોગોના કારણે ભૂતપૂર્વ ક્રિકેટરોથી માંડીને ચાહકોના રોષનો ભોગ પણ તે બંને બન્યા હતા. તેમાંય ઘરઆંગણેે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ૦-૨થી વ્હાઈટવોશની નાલેશીનો સામનો જે પ્રકારે કરવાનો પડયો તે માટે હેડ કોચ ગંભીરની સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો હતો. વળી,અગરકરના રોહિતની વન ડે કેપ્ટન્સી આંચકી લેવાના અને રોહિત-કોહલી ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રમવા નિશ્ચિત નથી તેવા નિવેદને ખાસ્સો વિવાદ જગાવ્યો હતો. આ કારણે રોહિત-કોહલીના ચાહકો અગરકરની સાથે ગંભીરથી ખફા જોવા મળી રહ્યા છે.
બેંગ્લોર 18 વર્ષે IPL જીત્યું પણ જશ્ન માતમમાં ફેરવાયો
રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુની ટીમે ૧૮ વર્ષના લાંબા ઈંતજાર બાદ આખરે રજત પાટીદારની કેપ્ટન્સીમાં આઈપીએલ ટાઈટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ આઇપીએલની ટ્રોફી ઉંચવાનું સ્વપ્ન સાકાર કર્યું. લાબા ઈંતજાર બાદ બેંગાલુરુની સફળતાએ ક્રિકેટચાહકોમાં ભારે ઉન્માદ સર્જ્યો. પોલીસ અને સ્થાનિક પ્રશાસનની પરવાનગી વિના જ બેંગલોરમાં યોજાયલા વિજયોત્સવમાં માનવમહેરામણ ઉમટી પડયું. સ્ટેડિયમમાં કોહલી અને તેની ટીમનો સન્માન સમારંભ ચાલતો હતો અને બહાર થયેલી ધક્કા-મુક્કીમાં ૧૧ વ્યક્તિના મોત નીપજ્યા હતા.જ્યારે ૫૬ વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
ગિલ નવો પોસ્ટરબોય
આશાસ્પદ બેેટ્સમેન ગિલને ટેસ્ટ બાદ વન ડે ટીમનો કેપ્ટન બનાવતા તેને ભારતીય ક્રિકેટના પોસ્ટરબોય તરીકે પ્રોજેક્ટકરવામાં આવી રહ્યો છે. રોહિત-કોહલીની આકસ્મિક નિવૃત્તિ બાદ કે.એલ. રાહુલ તેમજ રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયરોને નજરઅંદાજ કરીને ટેસ્ટ કેપ્ટન તરીકેની ગિલને પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ઈગ્લેન્ડ પ્રવાસમાં રનના ઢગલા ખડકતા શ્રેણી૨-૨થી ડ્રો કરી હતી. જે પછી તેને વન ડેનું પણ સુકાન સોંપી દેવામાં આવ્યું હતુ. જોકે ટી-૨૦માં વાઈસ કેપ્ટન તરીકેની એન્ટ્રી બાદ કંગાળ દેખાવના પગલે તેને ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નહતુ.
ટેસ્ટમાં ચિંતાજનક સ્થિતિ
વ્હાઈટબોલ ક્રિકેટમાં સુપર ચેમ્પિયન તરીકે ઉભરી આવેલા ભારતની ટેસ્ટ ક્રિકેટમાં પડતી જોવા મળી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસમાં શ્રેણી ડ્રો કર્યા બાદ ભારતે ઘરઆંગણે વિન્ડિઝને હરાવ્યું હતુ. જોકે વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ ભારત પ્રવાસમાં યજમાન ટીમનો ૨-૦થી વ્હાઈટવોશ કરતાં પરંપરાગત ક્રિકેટના ચાહકોમાં ગઢમાં ગાબડું પડયું હોય તેવી ગહન ચિંતા વ્યાપી ગયેલી જોવા મળી છે. ગંભીરની કોચિંગ સ્ટાઈલ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો.


