LSG સામેની તોફાની ઈનિંગનો જીતેશ શર્માએ કોહલી નહીં પણ RCBના આ દિગ્ગજને શ્રેય આપ્યો
IPL 2025: જીતેશ શર્માની તોફાની ઈનિંગના દમ પર RCBએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 70મી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવી દીધું. આ મેચ લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં 27 મે 2025ના રોજ રમાઈ હતી.
આ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉના કેપ્ટન રિષભ પંતે અણનમ 118 રનની ઈનિંગ રમી અને મિચેલ માર્શના 67 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 3 વિકેટ પર 227 રનનો મોચો સ્કોર બનાવ્યો હતો.
જીતેશ શર્માની ધમાકેદાર બેટિંગ
તેના જવાબમાં વિરાટ કોહલીએ 54 રન અને જીતેશ શર્માએ ધમાકેદાર બેટિંગ કરતા 33 બોલમાં અણનમ 85 રન બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. તેને મયંક અગ્રવાલ (અણનમ 41 રન)નો પણ સારો સાથ મળ્યો. બંને વચ્ચે 5 વિકેટ માટે 107 રનોની અતૂટ પાર્ટનરશિપ બની. આમ RCBએ મેચને 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 6 વિકેટથી જીતી લીધી. મેચ જીત્યા બાદ RCBના કાર્યવાહક કેપ્ટન જીતેશ શર્માએ શું કહ્યું?
જીતેશ શર્માએ દિનેશ કાર્તિકને આપ્યો સંપૂર્ણ શ્રેય
વાસત્વમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની શાનદાર જીત બાદ કાર્યવાહર કેપ્ટન જીતેશ શર્માએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે, 'મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મેં આવી ઇનિંગ રમી. હું એ ક્ષણમાં રહેવાનો અને ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું હમણાં મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકીશ.'
આ સાથે જ તેણે એ પણ કહ્યું કે, 'વિરાટ ભાઈ આઉટ થયા બાદ મેં અંત સુધી મેચને આગળ વધારવાનો પૂરો પ્રયાસ કર્યો અને હું તેમાં સફળ રહ્યો. આજે મારા પર ઘણું દબાણ હતું પણ હું તેનો આનંદ માણી રહ્યો હતો. જ્યારે હું વિરાટ ભાઈ, કૃણાલ ભાઈ અને ભુવનેશ્વર ભાઈને જોઉં છું, ત્યારે મને ઘણો આત્મવિશ્વાસ મળે છે.'
આ પણ વાંચો: VIDEO : દિગ્વેશ રાઠીની હરકત પર કોહલી ભડક્યો! રિષભ પંતે દખલ કરી મામલો થાળે પાડ્યો
ક્વોલિફાયર મેચ વિશે પૂછતા જીતેશ શર્માએ કહ્યું કે, હું હાલમાં આ જીતની મજા માણવાનો પ્રયાસ કરીશ. આ સાથે જ હું થાકમાંથી સારી રીતે સ્વસ્થ થવા માંગુ છું. મારા ગુરુ દિનેશ કાર્તિકે મને કહ્યું હતું કે, જો હું મેચને અંત સુધી લઈ જઈશ, તો મારામાં ટીમને જીત અપાવવાની કુશળતા છે.'
ટોપ-2માં પહોંચી RCB
તમને જણાવી દઈએ કે, લખનઉ સામે રમાયેલી મેચમાં જીતેશ શર્માએ 33 બોલમાં અણનમ 85 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતો. તેણે મયંક અગ્રવાલ સાથે મળીને પાંચમી વિકેટ માટે 45 બોલમાં 107 રનની અતૂટ ભાગીદારી કરી અને RCBને વિજય અપાવ્યો. આ જીત સાથે જ RCB એ IPL 2025ના પ્લેઓફમાં ટોપ-2 માં સ્થાન બનાવી લીધું છે.