'રોહિત શર્માની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી...', વર્લ્ડકપ સુધી હિટમેનને જ કેપ્ટન રાખવા CSKના પૂર્વ સ્ટારની માગ
Rohit Sharma ODI World Cup 2027: ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક રોહિત શર્માએ T20 અને ટેસ્ટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તે હવે માત્ર ODI ક્રિકેટમાં જ સક્રિય છે. તેની નજર 2027માં વર્લ્ડ કપ જીતવા પર છે. 2023માં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ હારી ગઈ હતી. તે આ કમીને દૂર કરવા માગે છે. રોહિતે પોતાની કેપ્ટનશીપ હેઠળ 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. હવે તેની સિદ્ધિઓ જોઈને ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં ધૂમ મચાવનાર અંબાતી રાયડુએ મોટી માગ કરી છે. રાયડુનું કહેવું છે કે રોહિતે આગામી વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરવી જોઈએ.
રાયડુએ કહી મોટી વાત
અંબાતી રાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે, રોહિત જેવો આત્મવિશ્વાસ અને સંતુલન ટીમને બીજું કોઈ આપી ન શકે. તેણે સમજાવ્યું કે, રોહિતની બેટિંગ, તેની વ્યૂહાત્મક વિચારસરણી અને એક કેપ્ટન તરીકેનો શાંત સ્વભાવ અજોડ છે. આપણે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ: કોણ આપણને વર્લ્ડ કપ જીતાડી શકે છે? આનો સીધો જવાબ છે - રોહિત શર્મા. ODI ટીમમાં હાલમાં બીજો કોઈ ખેલાડી નથી જે રોહિત જેમ સાથી ખેલાડીઓને આટલો આત્મવિશ્વાસ આપી શકે.
રોહિત શર્માની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી
રાયડુએ કહ્યું કે, 'તમારે એ જોવું પડશે કે તમને કોણ વર્લ્ડ કપ જીતાડી શકે છે. જો રોહિતની કેપ્ટનશીપ આવું કરી શકે છે, તો 2027 સુધી તેણે જ કેપ્ટન રહેવું જોઈએ. ODIમાં રોહિત શર્માની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. તેની કેપ્ટનશીપ, તેની બેટિંગ અને તે ખેલાડીઓને જે આત્મવિશ્વાસ આપે છે તે બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2027ના વર્લ્ડ કપમાં રોહિત કેપ્ટન હોવો જોઈએ.'
રોહિતનો કેપ્ટનશીપ રેકોર્ડ
રોહિત પહેલા જ ભારતને બે ICC ટ્રોફી અપાવી ચૂક્યો છે અને 2023 ODI વર્લ્ડ કપમાં પણ ટીમને ફાઈનલ સુધી લઈ ગયો હતો. તેની કેપ્ટનશીપમાં ભારતે તમામ ગ્રુપ-સ્ટેજ મેચ જીતી હતી અને સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. જોકે, ફાઈનલમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા. વર્લ્ડ કપમાં રોહિતનું બેટિંગ પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. 2023 ODI વર્લ્ડ કપમાં તેણે 125થી વધુના સ્ટ્રાઈક રેટથી 597 રન બનાવ્યા હતા અને બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. ચાર વર્ષ પહેલા 2019માં તેનો પ્રભાવ વધુ મોટો હતો, જ્યારે તેણે પાંચ સદી સહિત 648 રન બનાવ્યા હતા. આ એક વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી છે. 2015માં પણ તેણે ભારતને સેમિફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તે હજુ સુધી વર્લ્ડ કપ જીતી શક્યો નથી અને 2027નો વર્લ્ડ કપ જીતવા માગે છે.