Get The App

'દુનિયા બદલાઈ રહી છે, એકતરફી ફરમાન નહીં ચાલે...', ભારત આવેલા ચીનના વિદેશમંત્રીનો ટ્રમ્પને જવાબ

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
India-China Relation


India-China Relation : ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સોમવારે દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે ભારત-ચીન સંબંધોમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે અને બંને દેશોએ એકબીજાને હરીફ નહીં, પણ ભાગીદાર તરીકે જોવા જોઈએ. આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પહેલા થઈ રહી છે, જ્યાં તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેશે.

ભારત-ચીન સંબંધો: ભાગીદારી અને સહકાર પર વાંગ યીનો ભાર

વાંગે જણાવ્યું કે, 'આ વર્ષે બંને દેશોના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે અને ભૂતકાળના તણાવમાંથી પાઠ શીખી શકાય છે.' તેમણે અમેરિકાની પણ ટીકા કરતાં કહ્યું કે, બદલાતી દુનિયામાં એકપક્ષીય ધમકીઓ હવે નહીં ચાલે. વાંગે ભાર મૂક્યો કે ભારત અને ચીન, વિશ્વના સૌથી મોટા વિકાસશીલ દેશ તરીકે, વૈશ્વિક જવાબદારીની ભાવના બતાવવી જોઈએ અને એકતાથી કામ કરવું જોઈએ.

વાંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સીમા વિવાદ પર પણ વાતચીત કરી. બંને દેશો સરહદ પર શાંતિ જાળવવા અને ભારતીય તીર્થયાત્રીઓ માટે તિબેટ યાત્રા ફરીથી શરુ કરવા પર કામ કરી રહ્યા છે. વાંગની આ મુલાકાત 2020ના ગલવાન સંઘર્ષ બાદ સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

ચીનના વિદેશ મંત્રીએ અમેરિકાની ટીકા કરી

વાંગે ભારતની મુલાકાત દરમિયાન અમેરિકાની ટીકા કરી હતી. તેમણે અમેરિકા પર આડકતરી રીતે કટાક્ષ કરતાં કહ્યું કે, 'દુનિયા બદલાઈ રહી છે અને તેની વચ્ચે એકતરફી ધમકીઓ આપવાનું ચલણ પણ વધી રહ્યું છે, જે હવે ચાલશે નહીં.'

તેમણે વધુમાં કહ્યું કે, 'મુક્ત વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામે ગંભીર પડકારો છે. 2.8 અબજથી વધુની સંયુક્ત વસ્તી ધરાવતા બે સૌથી મોટા વિકાસશીલ દેશો તરીકે, ચીન અને ભારતે વૈશ્વિક જવાબદારીની ભાવના બતાવવી જોઈએ, મહાસત્તા તરીકે કામ કરવું જોઈએ અને એકતા દ્વારા વિકાસશીલ દેશો માટે એક ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ. ભારત અને ચીને વિશ્વમાં યોગદાન આપવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લોકતાંત્રિક બનાવવા માટે મદદ કરવી જોઈએ.'

આ પણ વાંચો: સુરક્ષાની ગેરંટી, સેના વધારવાની સ્વતંત્રતા... ઝેલેન્સ્કીની ત્રણ શરતો માટે પુતિનને કેવી રીતે મનાવશે ટ્રમ્પ?

સંબંધ સુધારવાના પ્રયાસો

ચીનના વિદેશ મંત્રી મુખ્યત્વે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સરહદી મુદ્દા પર વિશેષ પ્રતિનિધિ (SR) વાટાઘાટો માટે ભારત આવ્યા છે. ડોભાલ અને વાંગ બંને જ સરહદી વાટાઘાટ પ્રણાલી માટે વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કરે છે.

સરહદી મુદ્દે ડોભાલની ચીન મુલાકાત અને BRICS સંમેલનમાં નેતાઓની બેઠક

ડોભાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનની મુલાકાત લીધી હતી અને વાંગ સાથે 23મા રાઉન્ડની વાતચીત કરી હતી. આના થોડા અઠવાડિયા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન રશિયાના કઝાન શહેરમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને સુધારવા પર ભાર મૂક્યો હતો.

'દુનિયા બદલાઈ રહી છે, એકતરફી ફરમાન નહીં ચાલે...', ભારત આવેલા ચીનના વિદેશમંત્રીનો ટ્રમ્પને જવાબ 2 - image

Tags :