ન્યૂઝીલેન્ડના કેપ્ટને ભારતીય બોલરોના કર્યા ભરપૂર વખાણ, ફાઈનલમાં હારનું કારણ પણ જણાવ્યું
Champions Trophy 2025: ભારતે રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ ટીમ બની જેણે ત્રણ વખત ટ્રોફી જીતી અને પાંચમી વખત ફાઈનલ રમી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ હાર બાદ કિવી કેપ્ટન નિરાશ દેખાતા હતા. મેચ બાદ કેપ્ટન મિચેલ સેન્ટનરે ટીમની પ્રશંસા કરી હતી, પરંતુ ભારતીય ટીમને તેના ઉત્તમ પ્રદર્શન માટે અભિનંદન પણ આપ્યા હતા. આ ઉપરાંત રોહિત શર્માની ઈનિંગ્સ અંગે તેમણે કહ્યું કે, 'તે લગભગ રન-અ-બોલ રમી રહ્યો હતો. ભારત સાથે રમવાનો આનંદ આવ્યો. તેમના બોલર વર્લ્ડ ક્લાસ છે.'
'મેચ ઝડપથી બદલાઈ ગઈ'
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે જણાવ્યું હતું કે, 'ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે જે રીતે શરૂઆત કરી તે શાનદાર હતી. આ પિચ પર રોહિત માટે લગભગ રન-અ-બોલ રમવું ઉત્તમ હતું. અમને ખબર હતી કે મેચ ઝડપથી બદલાઈ શકે છે, અને એવું જ થયું.' મેચ હારવાના કારણ વિશે ચર્ચા કરતાં સેન્ટનરે કહ્યું કે જો અમે 20 થી 25 રન વધારે કર્યા હોત તો કદાચ અમે જીતી શક્યા હોત.
કિવી કેપ્ટને જણાવ્યું હતું કે, 'આ અમારા માટે સારી ટુર્નામેન્ટ હતી. આખી સફર દરમિયાન અમને પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ એક જૂથ તરીકે અમે જે રીતે આગળ વધ્યા તે પ્રશંસનીય છે. આજે અમે એક સારી ટીમ સામે હારી ગયા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક વ્યક્તિએ યોગદાન આપ્યું અને અલગ અલગ પ્રસંગોએ દમદાર પરફોર્મ કર્યું અને જવાબદારી લીધી.'
ભારત ફાઈનલ જીતી ગયું
મેચની વાત કરીએ તો, મિશેલ સેન્ટનરે ફાઇનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ડેરિલ મિશેલ અને બ્રેસવેલની અડધી સદીની ઇનિંગ્સને કારણે, 50 ઓવરમાં 251 રનનો સ્કોર બોર્ડ પર મૂકવામાં આવ્યો. ભારતે 49 ઓવરમાં 254 રન બનાવીને મેચ જીતી લીધી. રોહિત શર્માએ 76 રનની ઇનિંગ રમી હતા.