ICC T20 World Cup 2026, New Zealand vs Sri Lanka : ટી20 વર્લ્ડકપ-2026ના સુપર-8 તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 107 રન જ બનાવી શકી હતી. કીવી ટીમ તરફથી કેપ્ટન મિશેલ સેન્ટનરે સૌથી વધુ 47 રન ફટકાર્યા હતા અને રચિન રવીન્દ્રએ 4 વિકેટ ઝડપી વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ પાકિસ્તાન માટે સેમિફાઈનલનું ગણિત અત્યંત ગૂંચવાળા જેવું બની ગયું છે, કારણ કે ન્યૂઝીલેન્ડનો રન રેટ હવે ઘણો ઊંચો થઈ ગયો છે જે પાર કરવો પાકિસ્તાન માટે અશક્ય સમાન જણાય છે.
સેન્ટનર અને મેકકોન્ચીએ ન્યૂઝીલેન્ડને જીત અપાવી
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સમાં કેપ્ટન મિશેલ સેન્ટનરે મોરચો સંભાળતા માત્ર 26 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આક્રમક 47 રન ફટકાર્યા હતા. ઓપનર ફિન એલને 13 બોલમાં 23 રન (3 ચોગ્ગા, 1 છગ્ગો) અને રચિન રવીન્દ્રએ 22 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં કોલ મેકકોન્ચીએ અણનમ રહી 23 બોલમાં 31 રન જોડ્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ટિમ સેફર્ટે 9 બોલમાં 8 રન અને ગ્લેન ફિલિપ્સે 18 બોલમાં 18 રન બનાવ્યા હતા, જ્યારે મિશેલ અને ચેપમેન સસ્તામાં આઉટ થયા હતા.
શ્રીલંકન બોલર ચમીરા અને થીક્ષાનાની 3-3 વિકેટ
શ્રીલંકાના બોલરોએ ન્યૂઝીલેન્ડને મધ્યમ સ્કોર પર રોકવા પ્રયાસ કર્યો હતો. દુષ્મંથા ચમીરાએ 4 ઓવરમાં 38 રન આપીને સૌથી વધુ 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેની સાથે જ મહેશ થીક્ષાનાએ પણ ધારદાર સ્પેલ નાખતા 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત દુનિથ વેલ્લાલેગેએ કરકસરભરી બોલિંગ કરી 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ મેળવી હતી. મદુશંકા, હેમંથા અને અસલંકાને કોઈ સફળતા મળી નહોતી.
શ્રીલંકાની નબળી બેટિંગ: કામિન્દુ મેન્ડિસની લડત એળે ગઈ
169 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. કામિન્દુ મેન્ડિસે સૌથી વધુ 31 રન 23 બોલમાં 4 ચોગ્ગાની મદદથી ફટકાર્યા હતા. અન્ય બેટરોમાં દુનિથ વેલ્લાલેગેએ 23 બોલમાં 29 રન (2 ચોગ્ગા, 1 છગ્ગો) બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 22 બોલમાં 11 રન અને પવન રત્નાયકેએ 18 બોલમાં 10 રન કર્યા હતા. ઓપનર નિસાંકા શૂન્ય રને આઉટ થયો હતો અને કેપ્ટન શનાકા માત્ર 3 રન બનાવી શક્યો હતો. આખી ટીમ પૂરી ઇનિંગ્સમાં માત્ર 9 ચોગ્ગા અને 1 છગ્ગો જ ફટકારી શકી હતી.
ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રની દમદાર બોલિંગ
ન્યૂઝીલેન્ડના બોલરોએ શ્રીલંકાને પસ્ત કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. રચિન રવીન્દ્રએ 4 ઓવરમાં માત્ર 27 રન ખર્ચીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. મેટ હેનરીએ અત્યંત શિસ્તબદ્ધ બોલિંગ કરતા 2 ઓવરમાં માત્ર 3 રન આપી 2 વિકેટ મેળવી હતી. મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સે પણ 1-1 વિકેટ ઝડપી હતી. મેકકોન્ચી, સોઢી અને ફર્ગ્યુસને રન રોકવામાં મદદ કરી હતી પરંતુ તેમને વિકેટ મળી નહોતી.
હવે પાકિસ્તાનનું શું?
હાલના પોઈન્ટ ટેબલ મુજબ પાકિસ્તાન માટે સ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે. પાકિસ્તાન પાસે માત્ર 1 પોઈન્ટ છે અને રન રેટ -0.461 છે. તેની સામે ન્યૂઝીલેન્ડ 3 પોઈન્ટ અને +3.050ના પ્રચંડ રન રેટ સાથે બીજા સ્થાને છે. જો ઇંગ્લેન્ડ સામેની આગામી મેચમાં ન્યૂઝીલેન્ડ જીતે અથવા મેચ રદ થાય તો પાકિસ્તાન સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં પહોંચવું અશક્ય
જો પાકિસ્તાને સેમિફાઈનલમાં જવું હોય તો સૌથી પહેલા ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડને હરાવે તેવી પ્રાર્થના કરવી પડશે. ત્યારબાદ રન રેટના તફાવતને ઘટાડવા માટે શ્રીલંકા સામે અશક્ય લાગે તેવી જીત મેળવવી પડશે. જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરી 200 રન બનાવે, તો શ્રીલંકાને માત્ર 20 થી 30 રનમાં ઓલઆઉટ કરવું પડે. જો લક્ષ્યનો પીછો કરવાનો આવે, તો 150 રન જેવો સ્કોર માત્ર 2 થી 3 ઓવરમાં જ પૂરો કરવો પડે.
પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રન રેટમાં 3.511 નો વિશાળ તફાવત છે. પાકિસ્તાન માટે જે ગણિત સામે આવ્યું છે તે ક્રિકેટની રમતમાં અશક્ય જણાય છે. આથી, શ્રીલંકા સામેની જીત બાદ ન્યૂઝીલેન્ડનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે અને પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે.


