Get The App

ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો મહારોમાંચ: નેપાળ-નેધરલેન્ડ્સ મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ!

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો મહારોમાંચ: નેપાળ-નેધરલેન્ડ્સ મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ! 1 - image

Nepal vs Nethrlands 3 Super Over: કોઈપણ ક્રિકેટ ચાહક માટે મેચ ટાઈ થવી અને ત્યારબાદ વિજેતા નક્કી કરવા માટે 'સુપર ઓવર' રમાવી એ સોનામાં સુગંધ ભળવા સમાન હોય છે. જો ક્રિકેટપ્રેમીઓને કોઈ મેચમાં સુપર ઓવર જોવા મળે, તો જાણે તેમને દિવાળીનું બોનસ મળી ગયું હોય તેવો આનંદ થાય છે. જોકે જરા વિચારો કે, જો કોઈ એક જ મેચમાં એક કે બે નહીં, પરંતુ સળંગ 3 વખત સુપર ઓવર જોવાનો મોકો મળે તો તેને શું કહેશો? આ અદ્ભુત, અકલ્પનીય અને અવિશ્વસનીય ઘટના પુરુષોના વ્યાવસાયિક ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત વાસ્તવિકતા બની છે, જ્યાં એક જ મેચનું પરિણામ લાવવા માટે ત્રણ-ત્રણ સુપર ઓવરનો આશરો લેવો પડ્યો હતો.

ઐતિહાસિક ટાઈ પાછળ ટાઈનો રોમાંચ

વાસ્તવમાં, સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં નેપાળ અને નેધરલેન્ડ્સ વચ્ચે T20 ટ્રાઈ સિરીઝનો એક અત્યંત રોમાંચક મુકાબલો ખેલાયો હતો. આ રોમાંચક મેચ નિર્ધારિત 20 ઓવરમાં ટાઈ પર સમાપ્ત થઈ હતી. ત્યારબાદ વિજેતા નક્કી કરવા માટે પ્રથમ સુપર ઓવર રમાડવામાં આવી, પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે આ સુપર ઓવર પણ ટાઈ થઈ. આવી સ્થિતિમાં નિયમ મુજબ બંને ટીમો વચ્ચે બીજી સુપર ઓવર રમાડવામાં આવી. ક્રિકેટ જગત ત્યારે સ્તબ્ધ થઈ ગયું જ્યારે બીજી સુપર ઓવરનું પરિણામ પણ ટાઈ આવ્યું! આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય બીજી સુપર ઓવર ટાઈ થઈ નહોતી. આ અભૂતપૂર્વ સ્થિતિ બાદ ત્રીજી સુપર ઓવર રમાડવી પડી, જેમાં આખરે મેચનું પરિણામ આવી શક્યું હતું.

આવી રહી મુખ્ય મેચ અને રોમાંચક સુપર ઓવર્સની સફર:

મુખ્ય મેચ: આ મુકાબલામાં નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. તેના જવાબમાં અદભુત લડત આપતા નેપાળની ટીમે પણ 8 વિકેટ ગુમાવીને બરાબર 152 રન જ બનાવ્યા અને મેચ ટાઈ થઈ.

પ્રથમ સુપર ઓવર: નેપાળે પહેલા બેટિંગ કરીને 1 વિકેટના ભોગે 19 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડ્સે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના બરાબર 19 રન ફટકારી દીધા. (સુપર ઓવર ટાઈ)

બીજી સુપર ઓવર: આ વખતે નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરી 1 વિકેટ ગુમાવીને 17 રન બનાવ્યા. નેપાળની ટીમે વળતો પ્રહાર કરીને કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના બરાબર 17 રન બનાવી દીધા અને બીજી સુપર ઓવર પણ ટાઈ કરી દીધી!

ત્રીજી સુપર ઓવર: નેધરલેન્ડ્સ એક પણ રન બનાવ્યા વગર જીત્યું!

સતત બે સુપર ઓવર ટાઈ થયા બાદ ત્રીજી સુપર ઓવર શરૂ થઈ, જેમાં નેપાળની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. પરંતુ અહીં નેપાળનું નસીબ રૂઠ્યું હોય તેમ, ટીમે પ્રથમ ચાર બોલમાં જ પોતાની બંને વિકેટ ગુમાવી દીધી અને ટીમ ખાતું પણ ખોલાવી શકી નહીં (0 રન).

હવે નેધરલેન્ડ્સને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી. આ સમયે ક્રિકેટના મેદાન પર વધુ એક અજીબોગરીબ નજારો જોવા મળ્યો. નેધરલેન્ડ્સના બેટ્સમેનોએ બેટથી એક પણ રન બનાવવો ન પડ્યો, કારણ કે નેપાળના બોલરે પ્રેશરમાં આવીને નો-બોલ ફેંક્યો હતો. આ નો-બોલ પર નેધરલેન્ડ્સના બેટ્સમેનોએ બાય તરીકે દોડીને 2 રન પણ લઈ લીધા હતા.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન સામેની બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા કરશે મોટો ફેરફાર, આ ખેલાડીની થઈ શકે છે એન્ટ્રી

આમ, નેધરલેન્ડ્સે બેટિંગમાં સત્તાવાર એક પણ રન બનાવ્યા વિના જ આ ઐતિહાસિક મેચ પોતાના નામે કરી લીધી અને નેપાળને ભારે સંઘર્ષ છતાં અંતે હારનો સામનો કરવો પડ્યો. ભલે નેપાળ આ મેચ હારી ગયું, પરંતુ 3-3 સુપર ઓવરનો આ મહામુકાબલો હંમેશા માટે ક્રિકેટના ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાઈ ગયો છે.