mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ બે મેડલ, કુસ્તી અને બેડમિંટનમાં બ્રોન્ઝ સફળતા

- બેડમિંટન મિક્સ ટીમ અને કુસ્તીમાં હિના ખલીફાએ મેડલ જીત્યા

- હિનાનો અંડર-૨૦ની વર્લ્ડ ચેમ્પિયન અંતિમ સામે પરાજય

Updated: Oct 2nd, 2022

નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ બે મેડલ, કુસ્તી અને બેડમિંટનમાં બ્રોન્ઝ સફળતા 1 - image

અમદાવાદ, તા.૨

નેશનલ ગેમ્સમાં બેડમિંટનની મિક્સ ટીમે અને કુસ્તીમાં હિના ખલીફાએ ગુજરાતને વધુ બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા હતા. સુરતમાં ચાલી રહેલી બેડમિંટનની મિક્સ ટીમ ઈવેન્ટમાં ગુજરાતનો કેરળની વર્લ્ડ ક્લાસ ટીમ સામેની સેમિ ફાઈનલમાં પરાજય થયો હતો અને આ સાથે ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે કુસ્તીમાં ગુજરાતની હિના ખલીફાએ મહિલાઓની ૫૩ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કેટેગરીમાં સેમિ ફાઈનલ સુધીની સફર ખેડી હતી. જ્યાં તેનો તાજેતરમાં જ અંડર-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી હરિયાણાની અંતિમ પંઘાલ સામે પરાજય થયો હતો. જોકે તેણે બ્રોન્ઝ મેડલ મેળવી લીધો હતો.

ગુજરાતે આ સાથે નેશનલ ગેમ્સમાં પાંચ ગોલ્ડ, એક સિલ્વર અને છ બ્રોન્ઝ એમ કુલ ૧૨ મેડલ જીતી લીધા હતા. ગુજરાતને ત્રણ ગોલ્ડ ટેબલ ટેનિસમાં અને એક-એક ગોલ્ડ શૂટિંગ અને મહિલા ટેનિસની ટીમ ઈવેન્ટમાં મળ્યો હતો. એકમાત્ર સિલ્વર આર્ટિસ્ટીક સ્કેટિંગમાં મળ્યો હતો. જ્યારે ટેબલ ટેનિસમાં ત્રણ અને નેટબોલ, બેડમિંટન મિક્સ ટીમ ઈવેન્ટ અને કુસ્તીમાં ૧-૧ બ્રોન્ઝ મળ્યા હતા.

બેડમિંટન : સેમિ ફાઈનલમાં કેરળ સામે ૧-૩થી ગુજરાત હાર્યું

સુરતમાં ચાલી રહેલી બેડમિંટનની મિક્સ ટીમ ઈવેન્ટની સેમિ ફાઈનલમાં ગુજરાતની ટક્કર કેરળ સામે થઈ હતી. કેરળના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ એમ.આર. અર્જુન અને તૃષા જોલીની જોડીએ ગુજરાતના ધુ્રવ રાવલ અને એશા ગાંધીની જોડીને ૧૩-૨૧, ૧૨-૨૧થી હરાવી હતી. જ્યારે મેન્સ સિંગલ્સમાં કેરળના આંતરરાષ્ટ્રીય સ્ટાર એચ.એસ. પ્રનોયે ગુજરાતના આર્યમાન ટંડનને ૧૫-૨૧, ૧૪-૨૧થી પરાજીત કર્યો હતો. ગુજરાતને પહેલી સફળતા વિમેન્સ સિંગલ્સમાં અદિતા રાવે અપાવી હતી. તેણે એન્ડ્રેયા સારાહ ક્યુરિનને ૨૧-૧૨, ૨૧-૧૮થી હરાવી હતી. જોકે ત્યાર બાદની મેન્સ ડબલ્સમાં પુરૃષોત્તમ અવાતે અને ભાવિન જાદવનો એમ.આર. અર્જુન અને એસ. ઉદયકુમાર સામે ૧૨-૨૧, ૧૫-૨૧થી પરાજય થયો હતો. આ સાથે ગુજરાતને ૧-૩થી હારનો સામનો કરવો પડયો હતો. બેડમિંટનમાં સેમિ ફાઈનલમાં હારનારી બંને ટીમને બ્રોન્ઝ મળે છે, તેમ બેડમિંટન એસોસિએશનના મયુર પરીખે જણાવ્યું હતુ.

નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ બે મેડલ, કુસ્તી અને બેડમિંટનમાં બ્રોન્ઝ સફળતા 2 - imageકુસ્તી : હિના ખલીફાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

હિના ખલીફાએ ગુજરાતને ૩૬મી નેશનલ ગેમ્સની કુસ્તીની સ્પર્ધામાં સૌપ્રથમ મેડલ અપાવ્યો હતો. ગાંધીનગરમાં ચાલી રહેલી કુસ્તીની સ્પર્ધામાં હિના ખલીફાએ ૫૩ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હિમાચલની રિતીકાને ૫-૦થી હરાવી હતી. જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઉત્તર પ્રદેશની પ્રિયંકા સિકરવાર સામે ૧૧-૧થી જીત હાંસલ કરતાં સેમિ ફાઈનલમાં પ્રવેશતા ગુજરાત માટે મેડલ નિશ્ચિત કરી લીધો હતો. જોકે સેમિ ફાઇનલમાં તેનો હરિયાણાની તાજેતરમાં અંડર-૨૦ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી અંતિમ સામે પરાજય થયો હતો. આમ છતાં તેણે બ્રોન્ઝ જીત્યો હતો. હિનાને રેસલિંગ ફેડરેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને નેશનલ ગેમ્સના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ઈન્દ્રવદન નાણાવટીએ મેડલ એનાયત કર્યો હતો. હરિયાણાની ખેલાડી અંતિમ ગોલ્ડ જીતી હતી અને મધ્ય પ્રદેશની પ્રિયાંશી પ્રજાપતિને સિલ્વર મળ્યો હતો. ગુજરાતની ભાવિકા પટેલ ૫૭ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મહારાષ્ટ્રની સોનાલી સામે ૪-૬થી હારતાં થોડા માટે મેડલ ચૂકી હતી.

Gujarat