2026માં T20 વર્લ્ડકપની ફાઇનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા, પરંતુ જો પાકિસ્તાન...
T20 World Cup 2026 : આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026ની સંભવિત તારીખો સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે આ ICC ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે ભારત અને શ્રીલંકામાં રમાઈ શકે છે. 10માં ICC T20 વર્લ્ડ કપની ફાઇનલની યજમાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળી શકે છે, પરંતુ જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે તો વેન્યુમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત T20 વર્લ્ડ કપનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, 2024માં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ પર કબજો કર્યો હતો.
2026માં T20 વર્લ્ડકપની ફાઇનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા
આગામી T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લેશે અને 55 મેચ રમાશે, જે ભારતના પાંચ વેન્યુ અને શ્રીલંકાના બે વેન્યુ પર રમાશે. એવી માહિતી સામે આવી રહી છે કે, ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે, જો પાકિસ્તાન ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો મેચ કોલંબોમાં રમાશે.
BCCI 2026 T20 વર્લ્ડ કપની યજમાની કરશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) 2026 T20 વર્લ્ડ કપની યજમાની કરશે. જોકે, પાકિસ્તાનની બધી મેચોના આયોજન માટે શ્રીલંકાને સહ-યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ વર્ષની શરુઆતમાં BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે એક કરાર થયો હતો કે બંને સરકારો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય તણાવને કારણે તેઓ એકબીજાના દેશોમાં નહીં રમશે. આ વર્ષે એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા પછી આ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ICC એ હજુ સુધી શેડ્યૂલ નક્કી નથી કર્યું, પરંતુ ટુર્નામેન્ટની તારીખ ચોક્કસપણે નક્કી થઈ ગઈ છે અને તમામ ભાગ લેનારા દેશોને જાણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: IPL 2026 અગાઉ રાજસ્થાન રોયલ્સને વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ પદ છોડ્યું
T20 વર્લ્ડ કપ માટે માત્ર 15 ટીમો જ ક્વોલિફાય
હાલમાં આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે માત્ર 15 ટીમો જ ક્વોલિફાય થઈ છે, જેમાં ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલૅન્ડ, પાકિસ્તાન, આયર્લૅન્ડ, કેનેડા, નેધરલૅન્ડ અને પ્રથમ વખત રમાનારી ટીમ ઈટાલી સામેલ છે. બાકીના પાંચ સ્થાનોમાંથી બે આફ્રિકા પ્રાદેશિક ક્વોલિફાયરમાંથી અને ત્રણ એશિયા અને પૂર્વ એશિયા પેસિફિક ક્વોલિફાયરમાંથી નીકળશે.