'ગિલ ફટકારશે સૌથી વધુ રન, મુંબઈ જીતશે IPL 2025', દિગ્ગજ ઈંગ્લિશ ક્રિકેટરની ભવિષ્યવાણી
IPL 2025 Winning Team Prediction: ભારતીયો માટે સૌથી વધુ રોમાંચક આઈપીએલ 2025ની 18મી સીઝનનો આજે બીજો દિવસ છે. આજે CSK vs MI અને SRH vs RR મેદાનમાં ઉતરશે. અત્યંત ચર્ચિત આઈપીએલ 2025ની 18મી સીઝન શરૂ થવા સાથે જ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને ટૂર્નામેન્ટ માટે ત્રણ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની આ 18મી સીઝનની ટૂર્નામેન્ટ જીતશે તેવો દાવો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત આઈપીએલનું ટાઈટલ જીત્યું છે. પાછલી સીઝનમાં કેપ્ટન તરીકે નિષ્ફળ રહેલો હાર્દિક પંડ્યા આ વખતે પણ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલ ટાઇટલ જીત્યું હતું.
શુભમન ગિલ સૌથી વધુ રન ફટકારશે
માઈકલ વોને બીજી ભવિષ્યવાણી શુભમન ગિલ પર કરી છે. તેણે કહ્યું કે, આઈપીએલ 2025માં શુભમન ગિલ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે. તે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. ગતવર્ષે પણ ગિલ ટીમનો કેપ્ટન હતો. પરંતુ જીત હાંસલ કરી શક્યો ન હતો. 2022માં હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઈટન્સ IPL જીત્યુ હતું. બાદમાં હાર્દિકની કેપ્ટનશીપમાં 2023માં ફાઇનલમાં પહોંચ્યા બાદ ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સનું પર્ફોર્મન્સ ગ્રુપ સ્ટેજ સુધી મર્યાદિત રહ્યું હતું. જો કે, ગિલે આક્રમક બેટિંગ કરી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 103 IPL મેચમાં તેણે 37.84ની એવરેજ અને 135.70ના સ્ટ્રાઈક રેટ પર 3216 રન બનાવ્યા છે. અત્યારસુધીમાં તેણે ચાર સદી અને 20 અર્ધસદી ફટકારી છે.
આ પણ વાંચોઃ IPL 2025માં આજે રોમાંચનો ડબલ ડોઝ, MI vs CSK અને RR vs SRH ની જાણો પ્લેઈંગ 11
વરૂણ ચક્રવર્તી પણ કરી મોટી આગાહી
માઇકલ માને છે કે કોલકાતા નાઈટ રાઇડર્સનો વરુણ ચક્રવર્તી નવી સીઝનમાં સૌથી વધુ વિકેટ લેશે. તે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉમદો ખેલાડી રહ્યો છે અને IPL 2024માં કેકેઆરની સફળતામાં ચક્રવર્તીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વરુણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનો એક ક્લાસ સર્જ્યો હતો. તેણે ફક્ત ત્રણ મેચમાં નવ વિકેટ ઝડપી હતી. ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. તેણે 71 IPL મેચમાં 83 વિકેટ લીધી હતી.