ODI ઈન્ટરનેશનલમાં 99 રન પર આઉટ થયેલા 7 બેટ્સમેન, યાદીમાં સૌથી વધુ ભારતીય દિગ્ગજોનો સામેલ
Dismissed On 99 ODI Cricket Record : ક્રિકેટની દુનિયામાં બેટ્સમેન માટે સદી ફટકારવી એ એક મોટો માઈલસ્ટોન ગણાય છે. જોકે, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે બેટ્સમેન 99 રન પર આઉટ થઈ જાય, જે તેના માટે એક નિરાશાજનક ક્ષણ બની રહે છે. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં એવા અનેક મહાન ખેલાડીઓ છે જેઓ 99 રન પર આઉટ થયા છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, સૌથી વધુ વખત 99 રન પર આઉટ થવા મામલે ભારતીયનું નામ સામેલ છે.
સચિન તેંડુલકર : 17 વખત 99 રન પર આઉટ
વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વખત 99 રન પર આઉટ થવાનો અનોખો અને નિરાશાજનક રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. ક્રિકેટના આ ભગવાન તેની 49 વન-ડે સદીઓ માટે જાણીતા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તે 17 વખત 99 રન પર આઉટ થયા હતા. જો સચિને આ 17 તકોને સદીમાં ફેરવી દીધી હોત તો તેની કુલ વન-ડે સદીઓની સંખ્યા 66 થઈ ગઈ હોત અને આ એક મહાન આંકડો બની ગયો હોત.
ડી સિલ્વા-ફ્લાવર 7-7 વખત 99 રન પર આઉટ
સચિન ઉપરાંત કેટલાક અન્ય મહાન ખેલાડીઓ પણ 99 રન પર આઉટ થવાની યાદીમાં સામેલ છે. શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન અરવિંદા ડી સિલ્વા અને ઝિમ્બાબ્વેના ગ્રાન્ટ ફ્લાવર બંને 7-7 વખત 99 રન પર આઉટ થયા છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડના નાથન એસ્ટલ અને વર્તમાન કેપ્ટન કેન વિલિયમસન પણ 7-7 વખત આ આંકડા પર પહોંચ્યા બાદ આઉટ થયા છે.
કોહલી અને શિખર ધવન પણ આ યાદીમાં
ભારતના બે મહાન બેટ્સમેન વિરાટ કોહલી અને શ્રીખર ધવન પણ આ યાદીમાં સામેલ છે. બંને ખેલાડીઓ 6-6 વખત 99 રન પર આઉટ થયા છે. વિરાટ કોહલી હાલમાં વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 51 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, જેણે તાજેતરમાં જ સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જોકે 99 રન પર આઉટ થવાનો અનુભવ તેમને પણ થયો છે.
કેમ બેટ્સમેન 99 પર આઉટ થાય છે?
99 રન પર આઉટ થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. કેટલીકવાર બેટ્સમેન સદીની નજીક પહોંચતા જ માનસિક દબાણ અનુભવે છે, જેના કારણે તેઓ ખોટો શોટ ફટકારી બેસે છે. ઘણી વખત બોલરની કુશળતા અથવા નસીબનો સાથ ન મળવો પણ જવાબદાર હોઈ શકે છે.