IND vs ENG: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરુદ્ધ ICCની કડક કાર્યવાહી, મેચ ફીસના 15 ટકા દંડ
IND vs ENG, 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે બંને ટીમ વચ્ચે ટક્કર જોવા મળી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 192 રન બની ગયા અને ભારતને જીત માટે 193 રનનો લક્ષ્ય મળ્યો. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી, ત્યારે ઇંગ્લેન્ડના બોલરોએ સારી બોલિંગ કરીને ભારતના 4 બેટ્સમેનોને 58 રનની અંદર પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. હવે ટીમ ઇન્ડિયાને જીત માટે 135 રનની જરૂર છે, જ્યારે ઇંગ્લેન્ડને જીત માટે ભારતના 6 વિકેટની જરૂર છે.
મોહમ્મદ સિરાજ સામે ICCની મોટી કાર્યવાહી
ચોથા દિવસે લોર્ડ્સમાં સારી રમત જ નહીં, પણ તેની સાથે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે જોરદાર દલીલો પણ જોવા મળી. ત્રીજા દિવસનો ઉત્સાહ ચોથા દિવસની શરૂઆતમાં પણ મેદાન પર જોવા મળ્યો. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન મોહમ્મદ સિરાજ અને ઇંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ. સિરાજે બેન ડકેટ(12)ને આઉટ કર્યા બાદ જોશમાં આવી ગયો. આ વિકેટની ઉજવણી મનાવતા સિરાજનો ખભો બેન ડકેટને અથડાયો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો. હવે આ ઘટના પર મોટી અપડેટ સામે આવી છે. ICCએ સિરાજની આ હરકત પર મોટી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : લોર્ડ્સ ટેસ્ટ અંગે સંજય માંજરેકરની ભવિષ્યવાણી, કહ્યું હવે આ ટીમના જીતવાના 70% ચાન્સ
મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો
ICCએ સિરાજ પર મેચ ફીસના 15 ટકાનો દંડ ફટકાર્યો છે. તેને ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટે ICC આચાર સંહિતાના કલમ 2.5 ના ઉલ્લંઘન બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો,જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થાય છે ત્યારે ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવ દ્વારા અપમાનજનક અથવા આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવા સાથે સંબંધિત છે.