ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સિરાજ છવાયો, 6 વિકેટ ઝડપી 32 વર્ષ બાદ મેળવી મોટી સિદ્ધિ
Mohammed Siraj Creates History: ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ત્રીજા દિવસે, જ્યારે ઈંગ્લેન્ડના હેરી બ્રુક અને જેમી સ્મિથે શાનદાર બેટિંગ કરીને ભારતીય ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા, ત્યારે મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગથી તબાહી મચાવીને ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવી હતી. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિરાજે આ વખતે જવાબદારી સારી રીતે નિભાવી પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરતા સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો.
32 વર્ષ પછી એજબેસ્ટનમાં આ સિદ્ધિ હાંસલ થઈ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એજબેસ્ટન ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આ મેચમાં બધી આશાઓ મોહમ્મદ સિરાજ પર છે. સિરાજ પણ પ્રથમ ઇનિંગમાં બધાની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. તેણે પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી અને 6 વિકેટ લીધી. 1993 પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ મેજબાન ટીમના બોલરે એજબેસ્ટન મેદાન પર 6 વિકેટ લીધી હોય. આ ઉપરાંત, સિરાજ એજબેસ્ટનમાં 5 વિકેટ લેનાર પાંચમો બોલર બન્યો છે. તેણે પહેલી ઇનિંગમાં જેક ક્રોલી, જો રૂટ, બેન સ્ટોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટોંગ અને શોએબ બશીરને આઉટ કર્યા હતા.
A determined spell applauded by his teammates 🙌
— BCCI (@BCCI) July 4, 2025
Mohd. Siraj with a memorable bowling performance in Edgbaston 👏👏
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @mdsirajofficial pic.twitter.com/329eBuD5YJ
ઈંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ થઈ ગયું
પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે, ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા દિવસે 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે 84 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ હેરી બ્રુક અને જેમી સ્મિથે શાનદાર બેટિંગ કરી અને ભારતીય બોલરોની કસોટી કરી. આ બંને બેટર્સએ સેન્ચુરી પણ ફટકારી હતી. આ ઉપરાંત બ્રુક અને સ્મિથ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 303 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલના DRS અંગે વિવાદ, બેન સ્ટોક્સ બરાબરનો અકળાયો, અમ્પાયર્સ સાથે બાખડ્યો
પહેલી ઇનિંગમાં જેમી સ્મિથ 184 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે હેરી બ્રુકે 158 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ ઉપરાંત આકાશ દીપે પણ શાનદાર બોલિંગ કરી. બોલિંગ કરતી વખતે આકાશ દીપે પહેલી ઇનિંગમાં 4 વિકેટ લીધી. જેમાંથી બીજા દિવસે એક જ ઓવરમાં તેણે 2 વિકેટ લીધી.
ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઇન્ડિયાએ 1 વિકેટ ગુમાવ્યા બાદ 64 રન બનાવી લીધા હતા. ટીમ ઇન્ડિયાને બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો, જે 28 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં ભારતીય ટીમ પાસે 244 રનની લીડ છે.