2 વર્ષથી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સ્કવૉડથી બહાર ચાલતા સ્ટાર ખેલાડીની કારકિર્દી પણ અંતના આરે?
Mohammed Shami: ટીમ ઈન્ડિયાના ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે હવે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનો ભાગ રહેશે નહીં. એવામાં હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમના વધુ એક સ્ટાર ખેલાડીની ટેસ્ટ કારકિર્દી જોખમમાં છે. BCCI ટૂંક સમયમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે બોર્ડ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્રવાસમાંથી બાકાત રાખી શકે છે. જો આવું થાય તો શમીના ટેસ્ટ કરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બાકાત
બીસીસીઆઈની મેડિકલ ટીમે ભારતીય બોર્ડને જણાવ્યું છે કે 34 વર્ષીય શમીને હાલમાં લાંબા સ્પેલ્સ ફેંકવામાં મુશ્કેલી પડી શકે છે. આથી તેની પાંચેય ટેસ્ટ મેચ રમવાની શક્યતા પણ ઓછી છે. આ જ કારણ છે કે બોર્ડ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર લેવા માંગતું નથી.
બોર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર, 'હાલ શમી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે માત્ર 4 ઓવર નાખે છે. પરંતુ હજુ સુધી બોર્ડને એ બાબત નથી ખબર કે શમી એક દિવસમાં 10 ઓવરથી વધુ બોલિંગ કરી શકે છે કે નહિ. એવામાં ઇંગ્લેન્ડમાં ફાસ્ટ બોલર પાસે લાંબા સ્પેલ્સની માગ થઇ શકે છે એવામાં બોર્ડ કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતું.'
શું શમીના ટેસ્ટ કરિયરનો અંત આવશે?
મોહમ્મદ શમી લગભગ 2 વર્ષથી ભારતની ટેસ્ટ ટીમની બહાર છે. તેણે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી. ત્યારબાદ તે 2023 ના ODI વર્લ્ડ કપમાં ઘાયલ થયો અને ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર છે. ઈજા બાદ, તેણે આ વર્ષે T20 અને ODI ટીમમાં વાપસી કરી. પરંતુ તેનું પ્રદર્શન ખૂબ જ સામાન્ય રહ્યું હતું.
આ પણ વાંચો: IPL 2025 : LSGના વધુ એક ખેલાડીએ કરી દિગ્વેશ રાઠીની નકલ, BCCIના બૅનને ખુલ્લો પડકાર!
આ સિવાય IPL 2025માં પણ શમીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિઝનમાં, તે 9 મેચમાં ફક્ત 6 વિકેટ લઈ શક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન, રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓ પોતાના ખરાબ પ્રદર્શન બાદ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, જો શમી ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ જાય છે, તો તેનું ટેસ્ટ ટીમમાં વાપસી મુશ્કેલ બની જશે.