બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે બુમરાહને ઈજાગ્રસ્ત કરવાનો બનાવ્યો હતો પ્લાન, મોહમ્મદ કૈફનો દાવો
IND vs ENG: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે લોર્ડ્સ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને ઈજાગ્રસ્ત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે બેટિંગમાં અદ્ભુત ધીરજ દેખાડી હતી. તેણે 54 બોલનો સામનો કર્યો અને રવિન્દ્ર જાડેજાને સારો સાથ આપ્યો હતો. સ્ટોક્સે બુમરાહની ઈનિંગનો અંત લાવીને ઈંગ્લેન્ડે રોમાંચક મેચમાં ભારતને 22 રનથી હરાવ્યું. ઈંગ્લેન્ડે પાંચ મેચની સીરિઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે.
કૈફે કર્યો ખુલાસો
મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા દાવો કર્યો કે, બુમરાહની ક્રિઝ પર ટકી રહેવાથી ઈંગ્લેન્ડની ટીમ પરેશાન થઈ રહી હતી. યજમાન ટીમે બુમરાહને બાઉન્સર્સથી ટાર્ગેટ કરવાનો નિર્ણય કર્યો.
પૂર્વ ભારતીય ક્રિકેટરે આરોપ લગાવ્યો કે, સ્ટોક્સ અને આર્ચરનું માનવું હતું કે, જો તેઓ બુમરાહને આઉટ ન કરી શકે, તો તેને કમ સે કમ ઈજાગ્રસ્ત તો કરી શકે છે જેથી તેને માન્ચેસ્ટરમાં રમવામાં મુશ્કેલી પડે.
કૈફે કહ્યું કે, સ્ટોક્સ અને આર્ચરે બુમરાહ સામે બાઉન્સર ફેંકવાની યોજના બનાવી. જો બુમરાહ આઉટ ન થાય તો તેની આંગળી કે ખભામાં ઈજા પહોંચાડો. બોલરના મનમાં ભારતના મુખ્ય ખેલાડીને ઈજા પહોંચાડવાનું હતું. ઈંગ્લિશ બેટર્સને બુમરાહનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઈંગ્લેન્ડને આ યોજનાનો ફાયદો થયો હોત. તે અસરકારક સાબિત થયું.
શું બુમરાહ માનચેસ્ટરમાં રમશે?
ભારતીય ટીમ મેનેજમેન્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, બુમરાહના કાર્ય વ્યવસ્થાપનનું ધ્યાન રાખવામાં આવશે અને આ ફાસ્ટ બોલર ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ ટેસ્ટ રમશે. બુમરાહે લીડ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બર્મિંઘહામમાં આરામ કર્યો.
બુમરાહએ લોર્ડ્સમાં વાપસી કરી અને દમદાર પ્રદર્શન કર્યું. ચોથી ટેસ્ટમાં બુમરાહને અજમાવવામાં આવશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે બે ટેસ્ટ વચ્ચે 10 દિવસનો આરામ સામેલ છે.
આ પણ વાંચો: 67 વર્ષના સની દેઓલનો નવો લુક, વજન ઘટાડ્યું: તસવીર વાઈરલ થતાં ફેન્સ ચોંક્યા
બુમરાહે રમવું જોઈએ
ભારતીય ટીમના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેનું માનવું છે કે, 'જસપ્રીત બુમરાહને માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટમાં રમવું જોઈએ. તેણે કહ્યું કે, 'હું બુમરાહને માન્ચેસ્ટર ટેસ્ટ રમવા માટે આગ્રહ કરીશ કારણ કે તે એક મહત્વપૂર્ણ મેચ છે. જો તે મેચ નહીં રમે અને તમે હારી જાઓ, તો ખતમ. સારિઝ સમાપ્ત થઈ જશે. મને લાગે છે કે બુમરાહે બંને ટેસ્ટ રમવી જોઈએ.'