ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતાડનારા ખેલાડીએ કરાવી કેન્સરની સર્જરી, લોકોને કરી ભાવુક અપીલ
Michael Clarke Gave Information About Skin Cancer: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પોતાના કેન્સર પર મોટી અપડેટ આપી છે. આ દરમિયાન તેમણે લોકોને એક ખાસ અપીલ કરીને પોતાના દિલની વાત કહી છે. ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીને વર્ષ 2006માં સ્કિન કેન્સરનું નિદાન થયુ હતું. ત્યારબાદથી તે સતત કેન્સરને હરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ ખેલાડીએ આ દરમિયાન સર્જરી કરાવી છે. આ સાથે જ ક્લાર્ક આ બીમારી અંગે લોકોને જાગૃત પણ કરી રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સ્કિન કેન્સર અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
માઈકલ ક્લાર્કે શું કહ્યું?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કેન્સરથી છુટકારો મેળવવા માટે પોતાની છેલ્લી સર્જરી કરાવી છે. તેણે સોશિયલ મીડિયા તેની જાણકારી આપી. આ દરમિયાન તેણે લખ્યું કે, 'સ્કિન કેન્સર વાસ્તવિક છે! ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં. આજે મારા નાકમાંથી વધુ એક કેન્સર નીકળી ગયુ. પોતાની સ્કિનની તપાસ કરાવો, આ એક ફ્રેન્ડલી રિમાઈન્ડર છે. ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે. આ માટે નિયમિત તપાસ જરૂરી છે. સદભાગ્યે મને આ બીમારી વિશે વહેલા ખબર પડી ગઈ.'
ઓસ્ટ્રેલિયાને વર્ષ 2015નો વર્લ્ડ કપ જીતાડનારા માઈકલ ક્લાર્કને ચહેરા અને માથાનું સ્કિન કેન્સર હતું. તેણે તેના માટે ઘણી સર્જરી કરાવી. હવે તેણે તેનાથી સંપૂર્ણપણે છૂટકારો મેળવી લીધો છે.
ક્લાર્કે ઘણી સર્જરી કરાવી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કને વર્ષ 2006માં પહેલી વાર આ બીમારી અંગે નિદાન થયુ હતું. ત્યારબાદ તેણે ઘણી સર્જરી કરાવી. આ સાથે જ તે સ્કિન કેન્સરને લઈને લોકોને જાગૃત પણ કરી રહ્યા છે. વર્ષ 2010માં તે કેન્સર કાઉન્સિલનો એમ્બેસેડર પણ બન્યો.
આ પણ વાંચો: નિવૃત્તિ બાદ ચેતેશ્વર પુજારાએ લોકોથી કેમ માંગી માફી? સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
તેણે જણાવ્યું કે, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી સ્કિન કેન્સર થાય છે. ખેલાડીઓ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહે છે, ખાસ કરીને ટેસ્ટ મેચ દરમિયાન. આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશની તેમની સ્કિન પર વધુ અસર પડે છે. આ દરમિયાન તેણે લોકોને તેમના ચહેરાને સૂર્યપ્રકાશથી બચાવવા અપીલ કરી છે. પૂર્વ કેપ્ટન રિચી બેનોનું 2015માં આ બીમારીના કારણે નિધન થઈ ગયુ હતું. માઈકલ ક્લાર્કે 2015માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.