IPL 2025 : કોહલીની RCBમાં મોટો ફેરફાર, CBI ડિરેક્ટરના જમાઈની ટીમમાં એન્ટ્રી
IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. RCBએ અત્યાર સુધીમાં 11 માંથી 8 મેચમાં જીત હાંસલ કરી છે અને પ્લેઓફમાં પહોંચવાની કગાર પર છે. IPL 2025ની વચ્ચે RCBએ પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. RCBએ બાકીની મેચો માટે અનુભવી બેટ્સમેન મયંક અગ્રવાલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મયંકે દેવદત્ત પડિક્કલનું સ્થાન લીધું છે, જે ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
1 કરોડ રૂપિયામાં RCBમાં સામેલ
34 વર્ષીય મયંક અગ્રવાલ અત્યાર સુધીમાં 127 IPL મેચ રમ્યો છે, જેમાં તેણે 2661 રન બનાવ્યા છે. IPLમાં તેના નામે 1 સદી અને 13 અડધી સદી છે. મયંક 1 કરોડ રૂપિયામાં RCBમાં સામેલ થયો છે.
CBI ડિરેક્ટરનો જમાઈ છે મયંક અગ્રવાલ
મયંક અગ્રવાલ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મયંકની પત્નીનું નામ આશિતા સૂદ છે. મયંક અગ્રવાલ અને આશિતા સૂદના લગ્ન જૂન 2018માં થયા હતા. આશિતા વ્યવસાયે વકીલ છે. આશિતા સૂદના પિતા એટલે કે મયંક અગ્રવાલના સસરા પ્રવીણ સૂદ CBIના વર્તમાન ડિરેક્ટર છે. પ્રવીણ સૂદને મે 2023માં CBIના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તેમને એક વર્ષનો કાર્યકાળ લંબાવ્યો છે.
ભારત માટે 21 ટેસ્ટ અને 5 વનડે મેચ રમ્યો છે
મયંક અગ્રવાલ ભારત માટે 21 ટેસ્ટ અને 5 વનડે મેચ રમ્યો છે. મયંકે ટેસ્ટ મેચોમાં 41.33ની એવરેજથી 1,488 રન બનાવ્યા છે. મયંકે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે. મયંકે વનડેમાં 17.20ની એવરેજથી 86 રન બનાવ્યા છે.