થોડા જ દિવસમાં બધુ ભૂલી ગયા? જીવની કિંમત ઝીરો...', ભારતના પૂર્વ ખેલાડીએ પાકિસ્તાન સાથેની મેચનો કર્યો વિરોધ
Asia Cup 2025: સંયુક્ત આરબ અમીરાતમાં આવતા મહિનાથી એશિયા કપ-2025 રમાશે અને બધાની નજર આ ટુર્નામેન્ટ પર છે. તેનું કારણ 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. ભારતમાં આ મેચનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને તેનું કારણ એપ્રિલમાં થયેલો પહલગામ આતંકવાદી હુમલો છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે પૂર્વ ભારતીય બેટ્સમેન મનોજ તિવારીએ આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મેચનો વિરોધ કર્યો છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થઈ ગયા છે. ભારતે દરેક મોરચે પાકિસ્તાનનો વિરોધ કર્યો છે, પરંતુ તેમ છતાં એશિયા કપમાં આ મેચ માટે BCCIએ સંમતિ આપવાથી ઘણા લોકો નારાજ થયા છે. મનોજ તિવારી તેમાંથી જ એક છે.
જીવની કિંમત ઝીરો
ભારતના ખેલ મંત્રાલયે પણ આ મેચને લીલી ઝંડી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે આ મેચ કોઈપણ વિક્ષેપ વિના રમાશે, પરંતુ ભારત પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય સીરિઝ નહીં રમશે. ખેલ મંત્રાલયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મનોજે કહ્યું કે, 'હું એ બાબતથી થોડો હેરાન છું કે, આ મેચ થવા જઈ રહી છે. પહલગામ હુમલો થયો હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ યુદ્ધ થયું અને ઘણી વાતો થઈ કે આ વખતે આપણે જડબાતોડ જવાબ આપીશું.'
તેમણે કહ્યું કે, 'તેમ છતાં પણ થોડા જ દિવસોમાં બધુ ભૂલી ગયા. મારા માટે વિશ્વાસ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે કે આ મેચ થઈ રહી છે. માણસના જીવની કિંમત ઝીરો છે. પાકિસ્તાન સામે મેચ રમીને તેઓ શું હાંસલ કરવા માંગે છે? શું માણસના જીવનનું મૂલ્ય રમત કરતાં વધુ હોવું જોઈએ. મારા માટે તો આ મેચ જોવાનો કોઈ સવાલ જ નથી.'
હરભજન સિંહે પણ કરી હતી ટિકા
મનોજ તિવારી પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ આ મેચના આયોજનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આપણી સેના અને જીવ ગુમાવનારા લોકો સામે આ રમત કંઈ જ નથી. બીજી તરફ ભારતના અન્ય એક પૂર્વ બેટ્સમેન કેદાર જાધવે પણ આ મેચનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ મેચ થવી મુશ્કેલ છે.