આ તો અપમાન કહેવાય, રોહિતે રાજીનામું આપી દેવું જોઇએ...' દિગ્ગજની હિટમેનને સલાહ
Manoj Tiwary on Rohit Sharma: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા એક મોટો નિર્ણય લીધો છે, જેણે ચાહકોથી લઈને દિગ્ગજો સુધી તમામને હેરાન કરી દીધા છે. આ નિર્ણય રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવીને શુભમન ગિલને ભારતની વન-ડે ટીમનો નવો કેપ્ટન બનાવવાનો રહ્યો છે.
ગિલ યુગ શરૂ થઈ ગયો
આ નિર્ણયની સાથે જ રોહિતની કેપ્ટનશીપની સફરનો અંત આવ્યો અને ગિલ યુગ શરૂ થઈ ગયો છે. રોહિત પાસેથી વન-ડે કેપ્ટનશીપ છીનવી લેવાના નિર્ણય અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે.
ત્યારે હવે આ હિટમેનની કેપ્ટનશીપ છીનવી લેવાના મુદ્દે રોહિતના પૂર્વ સાથી અને પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું તે, રોહિતે સંન્યાસ લઈ લેવો જોઈએ.
રોહિત શર્માને સંન્યાસ લેવાની સલાહ મળી
વાસ્તવમાં પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ રોહિત શર્માને પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે સંન્યાલ લેવા અંગે વિચારવાની સલાહ આપી છે. મનોજ તિવારીએ કહ્યું કે, મને નથી લાગતું કે, હવે રોહિત BCCIની યોજનામાં છે. હવે બધુ તેના પ્રદર્શન પર આધાર રાખે છે. જો હું રોહિતની જગ્યાએ હોત તો હું હવે નિવૃતિ અંગે વિચારતો હોત. રોહિત જેવા ખેલાડી સાથે આ પ્રકારનો વર્તન વ્યવહાર યોગ્ય નથી, આ તો તેનું અપમાન છે.'
તિવારીનું માનવું છે કે, કેપ્ટન તરીકે રોહિતનો રેકોર્ડ તેને હટાવવાને લાયક નહોતો. તેણે કહ્યું કે, 'રોહિતે એક નહીં પણ બે ICC ટ્રોફી જીતી છે. 2023 વર્લ્ડ કપમાં તેણે ભારતને હાર્યા વિના ફાઈનલ સુધી પહોંચાડ્યું. તેના નામે પાંચ IPL ટાઇટલ છે. આટલી બધી સિદ્ધિઓ પછી તેની સાથે આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી. તેણે જાતે જ રાજીનામું આપી દેવું જોઈએ જેથી કોઈ તેને બહાર કાઢે તે પહેલાં તે સન્માન સાથે નિવૃત્ત થઈ શકે.'
વન-ડે કેપ્ટન તરીકે રોહિતનો રેકોર્ડ
રોહિત શર્માનો વન-ડે કેપ્ટન તરીકે શાનદાર રેકોર્ડ રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ભારતની જીતની ટકાવારી 75% છે, જે કોઈપણ ભારતીય વન-ડે કેપ્ટન (10 મેચોમાં) કરતાં સૌથી વધુ છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ફક્ત 10 રન બનાવતાં જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, કોહલી-સચિન પણ ન કરી શક્યા
તેની કેપ્ટનશીપમાં ભારતે એક પણ મેચ હાર્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો અને તે પહેલા તેની કેપ્ટનશીપમાં ભારત વર્ષ 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં એક પણ મેચ હાર્યા વિના પહોંચ્યું હતું. જોકે, ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.