FIFA વર્લ્ડ કપમાં સદીનો સૌથી મોટો ઉલટફેર: 4 વખતની ચેમ્પિયન ટીમને હરાવી ઇક્વાડોરની નૉકઆઉટમાં એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ecuador Create Upset With Germany: ફિફા વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધીનો સૌથી મોટો સનસનાટીભર્યો ઉલટફેર જોવા મળ્યો છે. એક રોમાંચક મુકાબલામાં ઇક્વાડોરે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 2-1થી ધૂળ ચટાડીને ઇતિહાસ રચી દીધો છે. શરૂઆતમાં પાછળ પડ્યા બાદ પણ ઇક્વાડોરે જે રીતે શાનદાર વાપસી કરી, તેણે ફૂટબોલ જગતને ચોંકાવી દીધું છે. આ ઐતિહાસિક જીત સાથે જ ઇક્વાડોરે નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન પાક્કી કરી લીધું છે.
'કરો કે મરો'ના દબાણમાં ઇક્વાડોરની શાનદાર વાપસી
ગ્રૂપ Eમાં આઇવરી કોસ્ટ સામે હાર અને ક્યુરાસાઓ સામે ડ્રો બાદ સેબાસ્ટિયન બેકાસેસેની ટીમ ભારે દબાણમાં હતી. નોકઆઉટની આશા જીવંત રાખવા માટે ઇક્વાડોર સામે આ મેચ જીતવી અત્યંત જરૂરી હતી, જ્યારે જર્મનીની ટીમ પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂકી હતી.
મેચની શરૂઆત જર્મની માટે ધમાકેદાર રહી હતી. બીજા જ મિનિટે લેરોય સાનેના શાનદાર ગોલથી જર્મનીએ 1-0ની લીડ મેળવી લીધી હતી. જોકે, ઇક્વાડોરે વળતો પ્રહાર કરવામાં સહેજ પણ મોડું ન કર્યું. 9મી મિનિટે નિલસન અંગુલોએ ટૂર્નામેન્ટનો પોતાનો પ્રથમ ગોલ ફટકારીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો.
VARના નિર્ણયો અને રોડ્રિગેઝ-પ્લાટાનો જાદુ
બીજા હાફમાં મેચ વધુ રોમાંચક બની હતી. સ્કોર 1-1ની બરાબરી પર હતો ત્યારે એક વિવાદાસ્પદ ક્ષણ આવી, જ્યાં રેફરી ટોરી પેન્સોએ જોએલ ઓર્ડોનેઝ દ્વારા કાઈ હાવર્ટ્ઝ સામેના ચેલેન્જ પર જર્મનીને પેનલ્ટી આપી દીધી હતી. જોકે વીડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR)ની સમીક્ષામાં સ્પષ્ટ થયું કે પેનલ્ટી પહેલાં લેરોય સાનેએ વિટે સામે ફાઉલ કર્યો હતો, જેના કારણે રેફરીએ પેનલ્ટીનો નિર્ણય રદ કરવો પડ્યો હતો.
ત્યારબાદ, કોર્નર કિક પર સબ્સ્ટિટ્યૂટ ખેલાડી વિન રોડ્રિગેઝના શાનદાર ફ્લિક-ઓન પાસ પર ગોન્ઝાલો પ્લાટાએ ગોલ કરીને ઇક્વાડોરને 2-1ની વિજયી લીડ અપાવી દીધી હતી. અંતિમ 13 મિનિટમાં મજબૂત ડિફેન્સના જોરે ઇક્વાડોરે આ સ્કોર જાળવી રાખ્યો હતો. ઇક્વાડોર માટે 2013 પછી કોઈ UEFA ટીમ સામે આ પ્રથમ જીત છે, અને ટીમ 2006 પછી બીજી વખત નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી છે.
નેધરલેન્ડ્સ બન્યું ગ્રૂપ Fનું બાદશાહ, જાપાન-સ્વીડન પણ નોકઆઉટમાં
બીજી તરફ, ગ્રૂપ Fનો રોમાંચક સફર પણ પૂર્ણ થઈ ગયો છે. કાન્સાસ સિટીમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડ્સે ટ્યુનિશિયાને 3-1થી હરાવી 7 અંક સાથે ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
- નેધરલેન્ડ્સની ધમાકેદાર રમત: મેચની 3જી મિનિટે ટ્યુનિશિયાના કેપ્ટન એલિયાસ સ્કીરીની ભૂલથી પોતાનામાં ગોલ થયો હતો. ત્યારબાદ 7મી મિનિટે બ્રાયન બ્રોબેએ ગોલ કરીને નેધરલેન્ડ્સને 2-0થી આગળ કર્યું. બીજા હાફમાં ટ્યુનિશિયાના હાજેમ માસ્તૌરીએ સ્કોર 2-1 કર્યો, પરંતુ 62મી મિનિટે જાન પોલ વાન હેકેએ હેડર દ્વારા ગોલ કરીને નેધરલેન્ડ્સને 3-1થી શાનદાર જીત અપાવી દીધી. હવે રાઉન્ડ ઓફ 32માં નેધરલેન્ડ્સનો સામનો મોરક્કો સામે થશે.
- જાપાન વિરૂદ્ધ સ્વીડન મુકાબલો ડ્રો: જાપાન અને સ્વીડન વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી હતી. જાપાન તરફથી 56મી મિનિટે દાઇઝેન માએદાએ ગોલ કર્યો, જ્યારે સ્વીડન વતી 62મી મિનિટે એન્થોની એલાંગાએ શાનદાર કર્લિંગ શોટ વડે બરાબરી કરી હતી. જાપાનના ગોલકીપર ઝિયોન સુઝુકીએ અદભુત પ્રદર્શન કરીને સ્વીડનને જીતથી વંચિત રાખ્યું હતું.
આ પરિણામ સાથે જાપાન 5 અંક સાથે બીજા સ્થાને રહ્યું અને હવે તેનો સામનો 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ સામે થશે. જ્યારે 4 અંક સાથે સ્વીડન પણ બેસ્ટ થર્ડ પ્લેસ ટીમ તરીકે નોકઆઉટમાં પહોંચી ગયું છે. ટ્યુનિશિયા એક પણ અંક મેળવ્યા વગર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
તૂર્કિયેની અમેરિકા સામે આશ્વાસન જનક જીત
કેલિફોર્નિયાના ઇન્ગલવુડમાં રમાયેલી ગ્રૂપ Dની એક મેચમાં તૂર્કિયેએ વર્લ્ડ કપમાંથી પોતાની વિદાયને યાદગાર બનાવી દીધી છે. તૂર્કિયેએ ઇન્જરી ટાઇમની છેલ્લી સેકન્ડોમાં ગોલ ફટકારીને મજબૂત અમેરિકાને 3-2થી હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તૂર્કિયેની આ પ્રથમ અને એકમાત્ર જીત રહી હતી, જ્યારે અમેરિકા પહેલેથી જ ગ્રૂપમાં ટોચ પર રહીને નોકઆઉટમાં ક્વોલિફાય થઈ ચૂક્યું છે.









