'કેપ્ટન કૂલ' પર ટ્રેડમાર્ક મુદ્દે વિવાદ: વકીલે મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો પડકાર, જાણો કોણ લેશે અંતિમ નિર્ણય
(PHOTO -IANS) |
Dhoni Captain Cool Trademark: 'કેપ્ટન કૂલ' શબ્દ સાંભળતા જ જે વ્યક્તિનો ચહેરો યાદ આવે છે તે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની ઇચ્છે છે કે આ નામ તેની સાથે હંમેશા માટે જોડાયેલું રહે. કદાચ એટલા માટે જ તેણે 'કેપ્ટન કૂલ' પર ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. પરંતુ, હવે દિલ્હીના એક વકીલ દ્વારા તેની અરજીને પડકારવામાં આવી છે. તે પણ યોગ્ય દલીલો સાથે.
દિલ્હીના એક વકીલ દ્વારા ધોનીની અરજીને પડકારવામાં આવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી સ્થિત વકીલ આશુતોષ ચૌધરીએ 'કેપ્ટન કૂલ' પર ટ્રેડમાર્ક માટે અરજીને પડકાર ફેંક્યો છે. તેમનો દાવો છે કે, 'આ એક ખૂબ જ સામાન્ય શબ્દ છે. આથી એકલા ધોનીના આ શબ્દ પર એકાધિકાર નથી. વર્ષોથી ઘણા ખેલાડીઓના નામ સાથે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.'
આશુતોષ ચૌધરીએ એક એવી પણ દલીલ કરી હતી કે આ અરજી ટ્રેડમાર્ક એક્ટ, 1999 માટે જરૂરી કાનૂની શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. તેમણે કહ્યું કે, 'માત્ર લોકપ્રિયતા જ કાનૂની મર્યાદાને પૂરી કરતી નથી. આ માટે બીજી ઘણી જરૂરી શરતો છે.'
જોકે, ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ ધોનીની ઔપચારિક અરજીને મંજૂરી આપી છે. તે એક સત્તાવાર જર્નલમાં પણ છાપવામાં આવી છે. ધોનીએ ક્લાસ-41 હેઠળ અરજી કરી હતી, જેમાં શિક્ષણ, મનોરંજન, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંબંધિત ટ્રેડમાર્ક આપવામાં આવ્યા છે.
પહેલા પણ 'કેપ્ટન કૂલ' શબ્દ વાપરવામાં આવ્યો છે
રિપોર્ટ અનુસાર આ કેસમાં જૂના અખબારના લેખો અને ક્રિકેટ કવરેજ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જે દર્શાવે છે કે ધોની પહેલા પણ ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે 'કેપ્ટન કૂલ' શબ્દનો ઉપયોગ થતો હતો. આશુતોષ ચૌધરીએ કહ્યું કે, 'કેપ્ટન કૂલ' શબ્દ એક સામાન્ય અને પ્રશંસનીય શબ્દ છે. જે ઐતિહાસિક રીતે શ્રીલંકાના અર્જુન રણતુંગા સહિત ઘણા અન્ય ક્રિકેટરને પણ કહેવામાં આવે છે.'
વિપક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'આ રમત માટે ખૂબ જ સામાન્ય શબ્દ છે. જેમ 'ધ વોલ' (ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ માટે) અથવા 'ગોડ ઓફ ક્રિકેટ' (ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર માટે)નો ઉપયોગ થાય છે.
આ કેસ હવે ટ્રેડમાર્ક એક્ટ, 1999 ની કલમ 21 મુજબ વિરોધી કાર્યવાહી હેઠળ આગળ વધશે. જે દિલ્હી સ્થિત કાયદાકીય પેઢી 'કેએનાલિસિસ એટર્ની' દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઉધાર આપેલા પૈસા પાછા માંગ્યા હતા...: યૌન શોષણના આરોપો બાદ યશ દયાલની દલીલ
120 દિવસની અંદર ટ્રેડમાર્કનો વિરોધ કરી શકાય છે
જણાવી દઈએ કે એમએસ ધોનીની અરજી જૂન 2023 માં દાખલ કરવામાં આવી હતી. જૂન 2025 માં ટ્રેડમાર્ક રજિસ્ટ્રીના કોલકાતા કાર્યાલય દ્વારા તેને સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ તે 16 જૂન, 2025 ના રોજ ટ્રેડમાર્ક જર્નલમાં પ્રકાશિત થયું હતું. પ્રોટોકોલ મુજબ, જો કોઈને આ ટ્રેડમાર્કનો વિરોધ કરવો હોય, તો તે 120 દિવસની અંદર આમ કરી શકે છે. હવે કાયદાકીય પેઢીએ આ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે અને આવી સ્થિતિમાં ધોની માટે આ ટ્રેડમાર્ક મેળવવો મુશ્કેલ બની શકે છે.
એમએસ ધોનીને કેપ્ટન કૂલનો ટ્રેડમાર્ક કેમ ન મળી શકે?
પેઢીએ દલીલ કરી છે કે આ ટ્રેડમાર્ક મેળવવા માટે કોઈ નક્કર દસ્તાવેજ કરવામાં આવ્યો નથી. 'કેપ્ટન કૂલ' શબ્દનો ટ્રેડમાર્ક મેળવવો એક્ટ 1999 ના ધોરણોને પૂર્ણ કરતો નથી. ફક્ત લોકપ્રિયતા દ્વારા કોઈને ઉપનામ મળતું નથી. આ માટે નક્કર માન્યતા હોવી જોઈએ. જો કે, તેનો નિર્ણય હજુ સુધી સંપૂર્ણ રીતે નક્કી કરવામાં આવ્યો નથી. હવે આવનારા સમયમાં આ નિર્ણય કોના પક્ષમાં જાય છે તે જોવું રસપ્રદ રહેશે.