ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 35 ખેલાડીઓની યાદી તૈયાર, અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરનું નામ નહીં
India Tour Of England 2025: IPL-2025ની 18મી સીઝન પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. જેમાં ખેલાડીઓની પસંદગી પર ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. રોહિત શર્મા જ ટીમનો કેપ્ટન રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ મેચ માટે કુલ 35 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.
એક અહેવાલ પ્રમાણે ટેસ્ટ ટીમ અને ઈન્ડિયા 'A' માટે શોર્ટલિસ્ટ કરાયેલા 35 ખેલાડીઓમાં રોહિત શર્માનું નામ સામેલ છે. અગાઉ ટેસ્ટ ટીમમાં તેના સ્થાન અંગે અટકળો ચાલી રહી હતી. પરંતુ બોર્ડ આટલા મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા રોહિતને કેપ્ટનશીપ પરથી હટાવવાના મૂડમાં નથી.
અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરનું નામ નહીં
બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં સિલેક્ટર્સ ટીમની જાહેરાત કરી શકે છે. તેમના માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો મિડલ ઓર્ડરમાં નંબર 5 અને 6 પર સેટલ બેટર શોધવાનો છે. સિલેક્ટર્સ આ કમીને પૂરી કરવા માટે રજત પાટીદાર અને કરુણ નાયરના નામો પર વિચાર કરી રહ્યા છે. ઈન્ડિયા 'A' સીરિઝમાં તેમને અજમાવવામાં આવી શકે છે. જે 25 મેના રોજ IPL સમાપ્ત થયાના એક અઠવાડિયાની અંદર શરૂ થશે. સૌથી રસપ્રદ વાત એ છે કે શ્રેયસ અય્યર અને અક્ષર પટેલનું 35 શોર્ટલિસ્ટ ખેલાડીઓની યાદીમાં નામ નથી.
આ પણ વાંચો: વિરાટ કોહલી જેનાથી બન્યો 'કિંગ', વૈભવ સૂર્યવંશીને આપ્યો એ જ ગુરુમંત્ર
નાયર અને પાટીદાર રેડ બોલના અનુભવી ખેલાડી
BCCI સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, રોહિતના પ્રવાસ પર જવાની સંભાવના ખૂબ વધારે છે. બોર્ડનું માનવું છે કે સીરિઝ દરમિયાન એક મજબૂત કેપ્ટનની જરૂર પડશે. કારણ કે આ સીરિઝ ઓસ્ટ્રેલિયા પ્રવાસની જેમ જ સરળ નહીં હોય. ટીમ મેનેજમેન્ટે મિડલ ઓર્ડરમાં સરફરાઝ ખાન પર વધુ વિશ્વાસ નથી દર્શાવ્યો. બીજી તરફ નાયર અને પાટીદાર રેડ બોલના અનુભવી ખેલાડીઓ છે. અને સારા ફોર્મમાં છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાંથી ઓછામાં ઓછા એક ખેલાડીને ભારતીય 'A' ટીમમાં સ્થાન મળશે.
તેમણે આગળ જણાવ્યું કે, શ્રેયસ અય્યર અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. અય્યરને ગત વર્ષે ખરાબ ફોર્મના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેસ્ટ સીરિઝમાં ત્રીજા ઓપનર માટે સાઈ સુદર્શનના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 20 જૂને રમાશે. અને આ સીરિઝની છેલ્લી ટેસ્ટ 31 જુલાઈએ રમાશે.