Lionel Messi GOAT India Tour: દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની ભારતમાં યોજાયેલી ગોટ ઈન્ડિયા ટૂરમાં કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં સર્જાયેલી અફરાતફરી અને તોડફોડની ઘટના બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરાઈ હતી, જેમાં સમગ્ર ઈવેન્ટના બજેટ અને મેસીની નારાજગીના કારણો બહાર આવ્યા છે.
મેસી પાછળ ₹100 કરોડનો ખર્ચ: ક્યાંથી આવ્યા આટલા પૈસા?
આ તપાસમાં સતાદ્રુ દત્તાએ SIT સમક્ષ કબૂલાત કરી છે કે ‘મેસીના આ ભારત પ્રવાસ પાછળ કુલ 100 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો હતો. આ બજેટમાંથી રૂ. 89 કરોડ મેસીને ફી તરીકે ચૂકવાયા હતા, જ્યારે બાકીના રૂ. 11 કરોડ ભારત સરકારને ટેક્સ પેટે અપાયા હતા. આ કુલ ખર્ચના 30 ટકા સ્પોન્સર્સ અને બીજા 30 ટકા ટિકિટના વેચાણ દ્વારા ભેગા કરાયા હતા.’
આ દરમિયાન SIT અધિકારીઓને દત્તાના ફ્રીઝ કરાયેલા બેંક ખાતામાંથી રૂ. 20 કરોડથી વધુની રકમ મળી આવી છે, જે આ વ્યવહારમાં ક્યાંથી આવી તેની તપાસ ચાલી રહી છે.
મેસી શા માટે અધવચ્ચેથી કાર્યક્રમ છોડીને ગયો?
આ તપાસમાં જાણવા મળ્યું છે કે, મેસી નિશ્ચિત સમય પહેલા જ સ્ટેડિયમ છોડીને જતો રહ્યો તેનું મુખ્ય કારણ ત્યાં હાજર લોકોનું અયોગ્ય વર્તન હતું. મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાએ જ કબૂલાત કરી છે કે, અનેક અજાણ્યા લોકોએ ધક્કામુક્કી કરીને મેસીના ખભા, પીઠ પર હાથ મૂક્યો હતો, તેની પીઠને સ્પર્શ કરીને તસવીરો ક્લિક કરાવતા હતા, તો કેટલાક લોકો તેને ભેટી પણ પડતા હતા. આ પ્રકારનું વર્તન મેસીને બિલકુલ પસંદ નથી. આ બાબતે તેની ટીમે અગાઉથી જ કડક સૂચના આપી હતી. જો કે, સૉલ્ટ લેક સ્ટેડિયમમાં સ્થિતિ ભીડે બેકાબૂ થઈને મેસીને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આ કારણસર તે કાર્યક્રમ અધવચ્ચેથી છોડીને ચાલ્યો ગયો હતો.
સૉલ્ટ લેક સ્ટેડિયમમાં હંગામો અને તોડફોડનું કારણ
સ્ટેડિયમમાં હજારો લોકોએ મેસીને જોવા માટે મોંઘી ટિકિટો ખરીદી હતી, પરંતુ વ્યવસ્થા ખોરવાઈ જતા કારણે મેસી ગેલેરીમાંથી દેખાતો નહોતો. મેદાન પર લોકો ઉતરી આવતા અફરાતફરી મચી હતી, જેનાથી ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમની મિલકતને નુકસાન પહોંચાડ્યું અને તોડફોડ કરી હતી.
પશ્ચિમ બંગાળ સરકારે ઘટનાને ગંભીરતાથી લઈ SIT રચી હતી
આ ઘટનાને પશ્ચિમ બંગાળ સરકારે ગંભીરતાને ધ્યાને લઈને સીનિયર IPS અધિકારીઓની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ટીમ સુરક્ષામાં ચૂક અને બજેટની દિશામાં ઊંડી તપાસ હાથ ધરી હતી, જેમાં આ વિગતો બહાર આવી છે.


