2026 વર્લ્ડકપ માટે ટી20 ટીમમાં પાછો આવવા માંગે છે આ સ્ટાર ખેલાડી, IPLમાં બનાવ્યા 500થી વધુ રન
KL Rahul eyes on T20 Comeback: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સિલેક્ટર્સને વિચારવા માટે મજબૂર કરનાર દિલ્હી કેપિટલ્સના કેએલ રાહુલે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેણે ત્રણ વર્ષથી વધુ સમયથી કોઈ ટી20 ઈન્ટરનેશનલ મેચ નથી રમી. 2022ના ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ભારતની હાર બાદ રાહુલ આ ફોર્મેટમાં રમવા નથી ઉતર્યો. તેની ગેરહાજરીમાં ભારતે ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. ગત વર્ષે મુખ્ય ટુર્નામેન્ટમાં સામેલ ન થઈ શક્યા બાદ રાહુલની નજર હવે આવતા વર્ષે ભારતમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવા પર છે.
ટી20 ટીમમાં વાપસી માટે કેએલ રાહુલ ઉત્સુક છે. અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશ સામેની સીરિઝમાં તેની વાપસી થઈ શકે છે પરંતુ આ ખેલાડી આવતા વર્ષે વર્લ્ડ કપ રમવા માગે છે. જોકે, આ પહેલા રાહુલે સિલેક્ટર્સ સમક્ષ એ સાબિત કરવું પડશે કે હું ટીમમાં સ્થાન મેળવવા માટે લાયક છું. તાજેતરમાં આ ખેલાડીએ સખત મહેનત કરી છે અને તેની અસર IPL 2025માં તેનું પ્રદર્શન દેખાય રહ્યું છે. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા તેણે 149.72ના સ્ટ્રાઇક રેટથી 539 રન બનાવ્યા છે. 33 વર્ષીય રાહુલે અત્યાર સુધીમાં 72 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને તેમાં 2,265 રન બનાવ્યા છે.
રાહુલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'હાં, હું ટી20 ટીમમાં પાછો આવવા માગુ છું અને વર્લ્ડ કપ મારા દિમાગમાં છે. પરંતુ હાલમાં હું મારી ગેમની મજા માણવાનો પ્રયાસ કરી રહ્યો છું.'
આ પણ વાંચો: શુભમન ગિલ કેપ્ટન બન્યો તેનો શ્રેય યુવરાજ સિંહને જાય છે...: યોગરાજ સિંહનું મોટું નિવેદન
પોતાના કરિયર પર વિચારતા રાહુલે કહ્યું કે, 'હું હંમેશા ટીમની જરૂરિયાતો પ્રમાણે પોતાની રમતને બદલવા માટે તૈયાર રહ્યો છું. મેં ક્યારેય કેપ્ટન કે સિલેક્ટર્સ પાસેથી કોઈ ચોક્કસ ભૂમિકાની માગ નથી કરી. જો તમે જોયું હોય કે મારી કારકિર્દી કેવી રહી છે, તો મને નથી લાગતું કે મારી પાસે ખરેખર કોઈ વિકલ્પ હતો, અથવા હું ક્યારેય એવો ખેલાડી રહ્યો નથી કે સિલેક્ટર્સ સાથે વાત કરું અને કેપ્ટન સાથે બેસીને મારે શું કરવું તે કહું. હું માત્ર ટીમમાં રહેવા માંગુ છું અને મારી સામે જે પણ પડકાર આવે, તેને સ્વીકારવું મારા માટે વધુ સારું રહ્યું છે.'
પોતાના કરિયર દરમિયાન રાહુલ અલગ-અલગ ફોર્મેટ્સમાં અનેક બેટિંગ ઓર્ડર પર રમ્યો છે, પછી ભલે તે ઓપનર તરીકે હોય કે, નંબર 7 સુધી નીચે હોય. રાહુલે આગળ કહ્યું કે, જ્યારે મને ભૂમિકા આપવામાં આવે છે અને કોચ, કેપ્ટન તથા સિલેક્ટર્સ મને જણાવે છે કે, અમે તારાથી આ અપેક્ષા રાખી રહ્યા છે. પછી ભલે તે નંબર 5 હોય, નંબર 6 હોય કે ઓપનિંગ. હા એ મને સ્પષ્ટ કરી દેવામાં આવે છે અને પછી રમત પ્રમાણે કામ કરું છું.