| (IMAGE - IANS) |
KKR vs RR: ઈડન ગાર્ડન્સમાં સોમવારે સાંજે ભલે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)ની જીત થઈ હતી, પરંતુ મેદાનના એક દ્રશ્યે સૌના દિલ જીતી લીધા હતા. KKRના જશ્ન વચ્ચે રાજસ્થાન રોયલ્સનો 15 વર્ષનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી બાઉન્ડ્રી પાસે એકલો બેસીને રડતો જોવા મળ્યો હતો. મેચ પૂરી થયા બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ ખેલાડી હારના બોજ હેઠળ ભાવુક થઈ ગયો હતો. જોકે, આ મુશ્કેલ ક્ષણે ખેલદિલી જોવા મળી હતી, જ્યારે KKRના સપોર્ટ સ્ટાફના એક સભ્યએ તેની પાસે બેસીને તેને સાંત્વના આપી હતી.
વૈભવ-યશસ્વીની જોડીએ ટીમને અપાવી મજબૂત શરૂઆત
રમતની વાત કરીએ તો, વૈભવ સૂર્યવંશીએ મુશ્કેલ પિચ પર નીડર બેટિંગ કરતા માત્ર 28 બોલમાં 46 રન ફટકાર્યા હતા. યશસ્વી જયસ્વાલ સાથેની તેની ભાગીદારીએ ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી, પરંતુ તે ફિફ્ટી ચૂકી ગયો અને તેના આઉટ થતા જ રાજસ્થાનની બેટિંગ લથડી પડી હતી. વરુણ ચક્રવર્તી(3/14) અને સુનીલ નરેનની સ્પિન જોડી સામે રાજસ્થાનની ટીમ નિર્ધારિત ઓવરોમાં 155/9 રન જ બનાવી શકી હતી.
સતત 6 પરાજય બાદ જીત મળતા રડી પડ્યા KKRના ખેલાડીઓ
ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાન રોયલ્સ સામે મેળવેલી જીત કોલકાતા નાઈટ રાઈડર્સ માટે માત્ર એક મેચની જીત નહોતી, પણ આત્મવિશ્વાસનો પુનર્જન્મ હતો. સતત 6 મેચ હાર્યા બાદ મળેલી આ જીત પછી KKRના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. મેચના હીરો વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કે, 2024માં જ્યારે ટીમ ચેમ્પિયન બની ત્યારે પણ નહોતા જોયા એટલા આંસુ આજે ખેલાડીઓની આંખમાં હતા.
વરુણે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે આ જીતનો શ્રેય કોચિંગ સ્ટાફ અને ખાસ કરીને હેડ કોચ અભિષેક નાયરને આપ્યો હતો.
પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં રાજસ્થાન રોયલ્સ યથાવત
156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKRની શરૂઆત પણ નબળી રહી હતી, પરંતુ રિન્કુ સિંહે અણનમ 53 રન બનાવીને ટીમને સીઝનની પહેલી જીત અપાવી હતી. રાજસ્થાન રોયલ્સ માટે છ મેચમાં આ બીજી હાર હતી, છતાં ટીમ 8 પોઈન્ટ સાથે ટોપ-4માં યથાવત છે. સ્કોરબોર્ડ પર ભલે આ હાર-જીતનો આંકડો હોય, પરંતુ મેદાન પર વૈભવની આંખોમાં રહેલા આંસુએ સાબિત કરી દીધું કે ક્રિકેટમાં રન અને વિકેટ જેટલું જ મહત્ત્વ લાગણીઓનું પણ છે.


