કેન વિલિયમસનની T20 ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- હવે ખેલાડીઓનો સમય

Kane Williamson Retirement: ન્યુઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમસને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2026 વર્લ્ડ કપ પહેલા માત્ર ચાર મહિના પહેલા લેવાયેલો તેમનો નિર્ણય ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે મોટો ઝટકો છે.
નિવૃત્તિ જાહેર કરતા કેન વિલિયમસને કહ્યું, 'હું લાંબા સમયથી આ ફોર્મેટનો ભાગ છું, અને તેની સાથે જોડાયેલી દરેક યાદ અને અનુભવ મારા માટે ખૂબ જ ખાસ છે. હવે મને લાગે છે કે મારા અને ટીમ બંને માટે યોગ્ય સમય છે. આનાથી ટીમને આગામી સીરિઝ અને તેમના આગામી મોટા લક્ષ્ય, T20 વર્લ્ડ કપ માટે સ્પષ્ટતા મળશે.'
ન્યુઝીલેન્ડ ટીમ અંગે કેન વિલિયમસને કહ્યુ, 'અમારી પાસે હાલમાં ખૂબ જ પ્રતિભાશાળી T20 ટીમ છે. આવનારા વર્ષો આ ખેલાડીઓ માટે વધુ ક્રિકેટ રમવા અને વર્લ્ડ કપની તૈયારી કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. મિચ (મિશેલ સેન્ટનર) એક શાનદાર કેપ્ટન છે અને તેમણે આ ટીમનું શાનદાર સંચાલન કર્યું છે. હવે બ્લેક કેપ્સને આગળ વધારવાનો સમય છે. હું હંમેશા તેને સપોર્ટ કરીશ.'
કેન વિલિયમસને 75 મેચોમાં કેપ્ટનશીપ કરી
35 વર્ષીય કેન વિલિયમસને તેના 93 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ન્યુઝીલેન્ડનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે 33ની સરેરાશથી 2575 રન બનાવ્યા છે, જેમાં 18 અડધી સદી અને 95નો શ્રેષ્ઠ સ્કોરનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, વર્ષ 2011માં T20માં ડેબ્યૂ કરનાર કેન વિલિયમસને 75 મેચોમાં કેપ્ટનશીપ કરી છે અને ન્યુઝીલેન્ડને બે વાર (2016 અને 2022) T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને એક વાર (2021) ફાઇનલમાં લઈ ગયા છે.

