સ્ટાર ખેલાડી ડ્રગ્સ ટેસ્ટમાં પકડાતા ક્રિકેટ જગત સ્તબ્ધ, IPLમાંથી બહાર કરાયો
Kagiso Rabada Suspended After Failing Drug Test, Leaves IPL Midway : સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી ફાસ્ટ બોલર કગિસો રબાડાએ IPL છોડીને જવા મામલે આખરે મૌન તોડ્યું છે. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રબાડાએ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાવવાના કારણે IPL છોડીને જવું પડ્યું હતું. રબાડાએ નિવેદન જાહેર કરીને પોતાની ભૂલ સ્વીકારી છે. નોંધનીય છે કે ગુજરાત ટાઈટન્સે રબાડાને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જોકે તે માત્ર બે મેચ રમીને સ્વદેશ પરત ફર્યો હતો.
અસ્થાયી રૂપે સસ્પેન્ડ છે રબાડા, એટલે જ IPL અધવચ્ચે છોડી
સાઉથ આફ્રિકા ક્રિકેટર્સ એસોસિયેશન દ્વારા અપાયેલા નિવેદન અનુસાર રબાડાએ ડ્રગ્સ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે IPL છોડવી પડી હતી. મીડિયા અહેવાલો અનુસાર જાન્યુઆરી મહિનામાં રમાયેલ SA20 લીગ દરમિયાન રબાડાએ ડ્રગ્સ લીધું હતું, ત્યાં તે MI કેપટાઉન માટે રમી રહ્યો હતો. રબાડાએ કહ્યું છે કે મેં જે લોકોને નિરાશ કર્યા તેમની માફી માંગુ છું.
મને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવાયો છે. આવા સમયે મારો સાથ આપવા માટે ગુજરાત ટાઈટન્સ અને કાયદાકીય સલાહાકારોનો આભાર. આશા છે કે મારી આ એક ભૂલ મારું કરિયર નક્કી નહીં કરે, હું આગળ વધવા માટે પહેલાથી પણ વધુ મહેનત કરીશ.
નોંધનીય છે કે આ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ કરનારા ખેલાડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ખેલાડીઓ ઘણા વર્ષ સુધી પ્રતિબંધિત થઈ શકે છે. ઈંગ્લેન્ડના બેટર એલેક્સ હેલ્સને પણ ડ્રગ્સના કારણે જ સસ્પેન્ડ કરી દેવાયો હતો.