IPL-2025માંથી વધુ ત્રણ ખેલાડી બહાર, ગુજરાત-મુંબઈ-બેંગલુરુને મળી ખુશખબરી
IPL-2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ ઘર્ષણ થતા આઈપીએલની બાકીની મેચો ટાળી દેવાઈ હતી, જેના કારણે કેટલાક ખેલાડીઓ તેમના દેશમાં પરત જતા રહ્યા હતા. જોકે આઈપીએલની બાકીની મેચો 17 મેથી ફરી શરૂ થઈ રહી છે. આમ તો અનેક વિદેશી ખેલાડીઓ વતન પરત જતા રહ્યા છે. જોફ્રા આર્ચર, જેમી ઓવર્ટન અને સેમ કરન બાકીની મેચો રમવા ભારત આવી રહ્યા નથી, જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને ઝટકો લાગ્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન, ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુર માટે સારા સમાચાર સામે આવ્યા છે.
ચેન્નાઈ અને રાજસ્થાનના વિદેશી ખેલાડીઓ નહીં આવે
જે ખેલાડીઓ ભારત પરત આવવાના નથી, તેમાં જેમી ઓવર્ટન અને સેમ કરનનો સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓ ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી હતા, જ્યારે જોફ્રા આર્ચરે પણ બાકીની મેચો રમવાનું ટાળી દીધું છે. જોફ્રા રાજસ્થાનની ટીમનો ભાગ હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચેન્નાઈ અને રાજસ્થાન પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.
આ પણ વાંચો : ICCએ WTC-2025ની ટીમો માટે ઈનામની રકમ જાહેર કરી, જાણો કંઈ ટીમને મળશે કેટલા રૂપિયા
ગુજરાત, મુંબઈ અને બેંગલુરુને ખુશખબરી
જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ગુજરાત, મુંબઈ અને બેંગલુરુને ખુશખબરી મળી છે. જૉસ બટલર, વિલ જેક્સ, લિયમ લિવિંગસ્ટન અને જેકબ બેથલ આઈપીએલની બાકીની મેચો રમવા માટે ભારત પરત આવી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે વિલ જેક્સ મહત્ત્વનો ખેલાડી છે, જ્યારે જેકબ બેથલ અને લિવિંગસ્ટન બેંગલુરુની ટીમનો ખેલાડી છે. ગુજરાતની વાત કરીએ તો જૉસ બટલર પણ ગુજરાતની ટીમ માટે પરત આવી રહ્યો છે. આ ત્રણેય ટીમો આઈપીએલ-2025માં ચેમ્પિયન્સ બનવાની દાવેદાર છે.
ફિલ સોલ્ટ ઈજાગ્રસ્ત
બેંગલુરુનો ખેલાડી ફિલ સોલ્ટ ટુર્નામેન્ટ અટકાવાઈ તે પહેલાથી ઈજાગ્રસ્ત છે, તેથી તેના ભારત આવવા અંગેના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. જોકે તેના સ્થાને બેથલને તક મળી શકે છે. આ ઉપરાંત જોફ્રા આર્ચર પણ ઈજાગ્રસ્ત છે. રાજસ્થાને કહ્યું કે, જોફ્રા ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. અમને આશા છે કે, તે વહેલીતકે ફિટનેસ મેળવી પરત આવશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડનો બીજો મોટો ખેલાડી મોઈન અલી પાછો ફરશે કે નહીં, તેના અહેવાલો પણ સામે આવ્યા નથી. તેમના પિતા મુનીર અલીએ કહ્યું હતું કે, મોઈન આગામી 24 કલાકમાં નિર્ણય લેશે.