જો રુટે સદી ફટકારી મેથ્યૂ હેડનને નગ્ન થઈને દોડતા બચાવ્યાં, દિગ્ગજ ક્રિકેટર ખુશીથી ઝૂમ્યો

Ashes 2025: ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને માત્ર પોતાની કારકિર્દીની એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મેથ્યૂ હેડનને એક શરમજનક સ્થિતિમાંથી બચાવ્યા છે. જો રૂટની આ સદી પછી, મેથ્યૂ હેડનનું અગાઉનું એક નિવેદન સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: 'પંગા મત લો...' રોહિત-કોહલીના સપોર્ટમાં રવિ શાસ્ત્રી, શું ગંભીર-અગરકરને માર્યો ટોણો?
મેથ્યૂ હેડનની નગ્ન થઈને દોડવાની શરત
એશિઝ સિરીઝ શરૂ થતાં પહેલાં મેથ્યૂ હેડને એક પોડકાસ્ટમાં મજાકમાં એક પડકાર ફેંક્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, 'જો, જો રૂટ આ એશિઝ સીરિઝમાં સદી નહીં ફટકારે, તો હું MCG (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)માં નગ્ન થઈને દોડીશ.' જો રૂટે બ્રિસ્બેનમાં સદી ફટકારતાં, હેડનની આ રમુજી શરત ટળી ગઈ છે. આ સદી ઓસ્ટ્રેલિયામાં રૂટની કારકિર્દીની પહેલી સદી હતી.
રૂટની સદી પછી, હેડન પણ ખુશ થતાં ઈંગ્લેન્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રૂટને અભિનંદન આપતા દેખાયા અને કહ્યું કે 'રૂટને 10, પછી 50 અને હવે આખરે 100 સુધી પહોંચતા જોઈને હું ખુશ છું.' નોંધનીય છે કે, મેથ્યૂ હેડનના આ નિવેદન અને જો રૂટની સદીએ એશિઝ સિરીઝમાં ક્રિકેટની રમતની સાથે સાથે મેદાન બહાર પણ મનોરંજન પૂરું પાડ્યું છે.
સચિનનો રેકોર્ડ તોડવા રૂટને હજુ 12 સદીની જરૂર
ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટની આ સદીએ તેમને ટેસ્ટ ક્રિકેટના મહાન બેટર્સની યાદીમાં મૂક્યા છે. ઈતિહાસમાં સૌથી વધુ 51 ટેસ્ટ સદીઓનો વિશ્વ રેકોર્ડ ભારતના મહાન બેટર સચિન તેંડુલકરના નામે છે. ઇંગ્લેન્ડના જો રૂટ અત્યાર સુધીમાં 40 ટેસ્ટ સદીઓ સાથે વિશ્વમાં ચોથા ક્રમે છે. જો રૂટ તેંડુલકરનો રેકોર્ડ તોડવા માંગે છે, તો તેમણે હજી વધુ 12 સદીઓ ફટકારવાની જરૂર પડશે.

