'ક્રિકેટના મક્કા'માં અમર થઈ જશે જો રૂટ! લોર્ડ્સ ગ્રાઉન્ડ પર બનાવ્યા 4 ઐતિહાસિક રેકોર્ડ
| ||
India vs England, 3rd Test: ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ગુરુવાર (10મી જુલાઈ)થી લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. અહીં પહેલા જ દિવસે યજમાન ટીમના અનુભવી બેટર જો રૂટ શાનદાર લયમાં જોવા મળ્યા. પહેલા દિવસે સ્ટમ્પ્સ જાહેર થયા ત્યાં સુધી તે 51.83ની સ્ટ્રાઈક રેટથી 191 બોલમાં 99 રન બનાવીને અણનમ છે. આ દરમિયાન તેમણે 4 ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે.
જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન બનાવનાર પહેલો ખેલાડી બન્યા
ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર બેટર જો રૂટ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પહેલો બેટર બન્યા છે. તેમણે ભારત સામે 58.2ની સરેરાશથી 3025 રન બનાવ્યા છે. આ પહેલા ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના નામે નોંધાયેલો છે. જેમણે 54.4 ની સરેરાશથી 2555 રન બનાવ્યા છે.
લોર્ડ્સમાં સૌથી વધુ રન બનાવનાર પહેલો બેટર
જો રૂટ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જેને 'ક્રિકેટનો મક્કા' કહેવામાં આવે છે, ત્યાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર વિશ્વનો પહેલો બેટર બન્યો છે. તેમણે પૂર્વ ક્રિકેટર ગ્રેહામ ગુચને પાછળ છોડી દીધા છે. ગ્રેહામ ગુચે લોર્ડ્સમાં 2513 રન બનાવ્યા હતા, જ્યારે જો રૂટના રનની સંખ્યા 2526 થઈ ગઈ છે.
આ પણ વાંચો: ભારતને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત ઋષભ પંત થયા બહાર, ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ માટે ઉતર્યા
ભારત સામે સૌથી વધુ અડધી સદી ફટકારનાર ચોથો બેટર
ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર જો રૂટ વિશ્વનો ચોથો બેટર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પહેલા સ્થાને છે. તેમણે 36 અડધી સદી ફટકારી છે. તેમના પછી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને 35 અડધી સદી સાથે બીજા સ્થાને છે. જયવર્ધનેના પૂર્વ સાથી કુમાર સંગાકારા ત્રીજા સ્થાને છે. તેમણે 34 અડધી સદી ફટકારી છે. જો રૂટ હવે 30 અડધી સદી સાથે ચોથા સ્થાને આવી ગયો છે. તેમણે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલ (29) ને પાછળ છોડી દીધા છે.
રૂટે લોર્ડ્સમાં સૌથી વધુ 50થી વધુ ઈનિંગ્સ રમી
જો રૂટ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી વધુ 50થી વધુ ઇનિંગ્સ રમનાર વિશ્વનો પહેલો ટેસ્ટ ક્રિકેટર બન્યો છે. તેમના પહેલા આ સિદ્ધિ એલિસ્ટર કૂક (17) ના નામે નોંધાયેલી હતી. પરંતુ હવે રૂટનો સૌથી વધુ 50થી વધુ ઈનિંગ્સ રમનાર નંબર 18 થઈ ગયો છે.