જસપ્રીત બુમરાહ વર્કલોડ નહીં પણ આ કારણે પાંચમી ટેસ્ટથી બહાર થયો, BCCI એ આપી અપડેટ
Jasprit Bumra: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમશે તેવું ચીફ સિલેક્ટર અજીત અગરકરે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું. જ્યારે બુમરાહે માન્ચેસ્ટરમાં પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી, ત્યારે બધાને અંદાજ હતો કે તે ઓવલમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં ભાગ નહીં લે.
જોકે, સીરિઝ દાવ પર હોવાથી કંઈ પણ ચોક્કસ નહોતું. પરંતુ જ્યારે ટોસ સમયે શુભમન ગિલે જણાવ્યું કે બુમરાહ પાંચમી ટેસ્ટ નથી રમી રહ્યો, ત્યારે બધે તેના વર્કલોડ વિશે વાતો થવા લાગી. બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ પાંચેય ટેસ્ટ રમ્યો હતો, જેનું પરિણામ તેને ઈજાના રૂપમાં ભોગવવું પડ્યું હતું.
બુમરાહ વર્કલોડના કારણે નહીં, પરંતુ ઈજાના કારણે પાંચમી ટેસ્ટ રમ્યો નહોતો
જોકે, એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે બુમરાહ વર્કલોડના કારણે નહીં, પરંતુ ઈજાના કારણે પાંચમી ટેસ્ટ રમ્યો નહોતો. 5મી ટેસ્ટમાં ભાગ ન લીધા બાદ, 31 જુલાઈએ BCCIએ જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવાની જાણકારી આપી. BCCIએ લખ્યું હતું કે, 'બુમરાહને ઈંગ્લેન્ડ સામેની સીરિઝની પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.' જોકે, આ જાહેરાતમાં ઈજા અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
બીસીસીઆઈની મેડિકલ ટીમ હાલમાં તેમના સ્કેન રિપોર્ટની રાહ જોઈ રહી છે
બીસીસીઆઈના એક અધિકારીએ પરિસ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું, 'દુર્ભાગ્યવશ, બુમરાહ ઘૂંટણની ઈજાથી પરેશાન છે. સારી વાત એ છે કે આ કોઈ મોટી ઈજા નથી અને તેના માટે સર્જરીની જરૂર પડશે નહીં. બીસીસીઆઈની મેડિકલ ટીમ હાલમાં તેમના સ્કેન રિપોર્ટની રાહ જોઈ રહી છે.' 31 વર્ષનો આ ઝડપી બોલર બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં પોતાનું રિહેબિલિટેશન શરૂ કરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: 'દેશને તમારી જરૂર છે...', દિગ્ગજ રાજનેતાની વિરાટ કોહલીને નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ
ભલે તે પાંચમી ટેસ્ટ મેચ ન રમી શક્યો, પરંતુ બુમરાહે આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ મેચમાં 14 વિકેટ ઝડપી હતી, જેમાં બે વાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. તેનું સૌથી યાદગાર પ્રદર્શન ઓલ્ડ ટ્રેફર્ડમાં ચોથી ટેસ્ટમાં રહ્યું હતું, જ્યાં તેણે સપાટ પિચ પર 33 ઓવર સુધી સખત બોલિંગ કરી હતી.