'દેશને તમારી જરૂર છે...', દિગ્ગજ રાજનેતાની વિરાટ કોહલીને નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ
Shashi Tharoor misses Virat Kohlis Presence in Oval Test: લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારત હારની નજીક પહોંચી ગયું છે. ભારતે ઇંગ્લેન્ડને 374 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હોવા છતાં, ઇંગ્લેન્ડની ટીમ જીતની નજીક પહોંચી ગઈ છે. મેચના ચોથા દિવસે (રવિવાર) ખરાબ પ્રકાશને કારણે રમત અટકાવવામાં આવી ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટે 339 રન હતો. હવે તેમને જીતવા માટે માત્ર 35 રનની જરૂર છે.
જેમી સ્મિથ અને જેમી ઓવરટન ક્રિઝ પર અણનમ છે. ભારતીય ટીમને જીતવા માટે 4 વિકેટ ઝડપવી પડશે. ઈજાગ્રસ્ત ક્રિસ વોક્સ પણ દેખાયો છે, જેનો અર્થ છે કે જરૂર પડ્યે તેઓ પણ બેટિંગ કરવા આવી શકે છે.
હવે ઈંગ્લેન્ડને જીતવા માટે માત્ર 35 રનની જરૂર છે
એક સમયે ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડનો સ્કોર 106/3 કરી દીધો હતો. પરંતુ ત્યારબાદ, હેરી બ્રુક અને જો રૂટે શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે ભારતની સમસ્યા વધી હતી. આ બંનેએ પાંચમી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન ભારતીય ટીમ અસ્તવ્યસ્ત જોવા મળી, જ્યાં બોલરો સરળતાથી રન આપી રહ્યા હતા અને ફિલ્ડરોએ પણ ઘણી ભૂલો કરી હતી.
ભારતની આ હાલત જોઈને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વિરાટ કોહલીને નિવૃત્તિ પરત ખેંચીને મેદાન પર પાછા આવવા માટે અપીલ કરી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'વિરાટનો જુસ્સો અને તેમની પ્રેરણાદાયક હાજરી કદાચ મેચનું પરિણામ બદલી શકત.'
વિરાટની ખોટ વર્તાઈ
ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમને પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર લીડ્સ અને લૉર્ડ્સમાં મળી હતી. આ બંને મેચમાં ભારત જીતનું પ્રબળ દાવેદાર હતું, પરંતુ મહત્ત્વની પળોનો ફાયદો ઉઠાવી શક્યું નહીં. હવે ઓવલમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો ભારતીય ટીમ આ મેચ પણ ગુમાવે છે, તો સીરિઝ બરાબર કરવાની તેની આશાઓ પર પાણી ફરી વળશે.
આ મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય ખેલાડીઓમાં જુસ્સાનો અભાવ જોઈને શશિ થરૂરે કહ્યું કે, 'વિરાટ કોહલીની ખૂબ જ ખોટ વર્તાઈ રહી છે.'
શશિ થરૂરની વિરાટ કોહલીને નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ
શશિ થરૂરે લખ્યું, 'મને આ સીરિઝ દરમિયાન ઘણી વાર વિરાટ કોહલીની ખોટ વર્તાઈ. આ ટેસ્ટ મેચમાં જેટલી તેમની કમી મહેસૂસ થઈ, એટલી ક્યારેય થઈ નથી. તેમનું ધૈર્ય અને જોશ, મેદાન પર તેમની પ્રેરણાદાયક હાજરી અને તેમની બેટિંગ કુશળતા કદાચ પરિણામ કંઈક બીજું જ લાવત. શું તેમને નિવૃત્તિમાંથી પાછા બોલાવવામાં બહુ મોડું થઈ ગયું છે? વિરાટ, દેશને તમારી જરૂર છે!'
આ પણ વાંચો: IND vs ENG: ઓવલ ટેસ્ટમાં હવે પાંચમાં દિવસ આવશે પરિણામ, ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર
ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલાં જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમણે 12 મેના રોજ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા આ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. ત્યારથી જ ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજો પણ તેમને નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી ચૂક્યા છે.